- પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 મેચની T20 સિરીઝ
- બીજી મેચમાં બાબર આઝમે 26 બોલમાં 32 રનની ઈનિંગ રમી
- બાબર આઝમ T20Iમાં સૌથી વધુ રન બનાવાર બીજો ખેલાડી
આગામી T20 વર્લ્ડકપ 2024ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન ક્રિકેટ ટીમ 4 મેચની T20 સિરીઝ રમવા માટે હાલમાં જ ઈંગ્લેન્ડ પહોંચી છે. આ સીરીઝની બીજી મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે 26 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે તે હવે T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી ગયો છે. બાબર હવે આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે પ્રથમ સ્થાન પર ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો કબજો છે, જેનો રેકોર્ડ બાબર આઝમ પણ તોડવાની ખૂબ નજીક આવી ગયો છે.
કોહલીનો રેકોર્ડ તોડવાથી માત્ર 51 રન દૂર
T20 વર્લ્ડકપ 2024 પહેલા પાકિસ્તાનની ટીમને હજુ પણ ઈંગ્લેન્ડ સામે આ T20 સિરીઝની 2 વધુ મેચ રમવાની છે, જેમાં બાબર આઝમ પાસે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની શાનદાર તક છે. બાબર આઝમે અત્યાર સુધીમાં T20 ઈન્ટરનેશનલમાં 118 મેચમાં 41.10ની એવરેજથી 3987 રન બનાવ્યા છે, જેમાં તેના નામે ત્રણ સદી અને 36 ફિફ્ટી છે. જ્યારે આ યાદીમાં પ્રથમ સ્થાને રહેલા વિરાટ કોહલીએ અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં 117 મેચ રમી છે અને 51.75ની એવરેજથી 4037 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં બાબરને કોહલીનો રેકોર્ડ તોડવા માટે વધુ 51 રન બનાવવા પડશે, જેના માટે તેને ઇંગ્લેન્ડ સામેની આ T20 સિરીઝની બાકીની 2 મેચોમાં તક મળશે.
T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ
- વિરાટ કોહલી - 4037 રન
- બાબર આઝમ - 3987 રન
- રોહિત શર્મા - 3974 રન
- પોલ સ્ટર્લિંગ - 3589 રન
- માર્ટિન ગુપ્ટિલ - 3531 રન
બટલરના T20Iમાં 3000 રન
ઈંગ્લેન્ડની ટીમના વર્તમાન મર્યાદિત ઓવરોના કેપ્ટન જોસ બટલરે પાકિસ્તાન સામેની સિરીઝની બીજી T20 મેચમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 51 બોલમાં 84 રનની ઈનિંગ રમી હતી અને T20 ઈન્ટરનેશનલમાં 3000 રનનો આંકડો પણ પાર કર્યો હતો. આ સાથે જોસ બટલર હવે T20 ઈન્ટરનેશનલમાં આ આંકડો પાર કરનાર ઈંગ્લેન્ડનો પ્રથમ ખેલાડી બની ગયો છે.