- તમીમે ફેબ્રુઆરી 2007માં બાંગ્લાદેશ માટે ODI ડેબ્યૂ કર્યું હતું
- ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરી હતી
- તમીમ અત્યાર સુધી બાંગ્લાદેશ માટે વનડે ક્રિકેટમાં રમતો હતો
બાંગ્લાદેશ ટીમના અનુભવી લેફ્ટ હેન્ડ ઓપનિંગ બેટ્સમેન તમીમ ઈકબાલે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપના માત્ર 3 મહિના પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. તેમણે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે તમીમ અત્યાર સુધી બાંગ્લાદેશ માટે વનડે ક્રિકેટમાં રમતો હતો. પરંતુ હવે તે પોતાની ટીમ માટે કોઈપણ ફોર્મેટમાં રમતો જોવા નહીં મળે. એવા અહેવાલો પણ હતા કે તે ઓપનર માટે યોગ્ય નથી પરંતુ તેમ છતાં તેણે રમવાનું નક્કી કર્યું. ઉલ્લેખનીય છે કે તમીમ ઈકબાલે ગુરુવારે બપોરે 12 વાગ્યે (સ્થાનિક સમય) અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને નિવૃત્તિની જાહેરાત કરી હતી.
આવી રહી છે તમીમ ઈકબાલની કારકિર્દી
તમીમ ઈકબાલે વર્ષ 2007માં ફેબ્રુઆરી મહિનામાં બાંગ્લાદેશ માટે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, તે જ વર્ષે ODI વર્લ્ડ કપમાં ભારત સામે રમાયેલી મેચ-વિનિંગ અડધી સદીની ઇનિંગ્સના આધારે તેને એક અલગ ઓળખ મળી. બાંગ્લાદેશ માટે વનડેમાં સૌથી વધુ રન બનાવવાની સાથે તમીમ સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ છે.
તમીમે 241 વનડેમાં 36.62ની એવરેજથી 8313 રન બનાવ્યા છે, જેમાં 14 સદી અને 56 અડધી સદી સામેલ છે. ટેસ્ટ ફોર્મેટમાં તમીમ બાંગ્લાદેશ માટે 70 મેચોમાં 38.89ની એવરેજથી 5134 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને 31 અડધી સદી જોવા મળી છે. T20 ઇન્ટરનેશનલમાં તમીમ બાંગ્લાદેશ માટે 70 મેચ રમ્યો છે અને તેણે 24.08ની એવરેજથી 1758 રન બનાવ્યા છે. તમીમે કેપ્ટન તરીકે 37 વનડેમાં બાંગ્લાદેશનું નેતૃત્વ કર્યું, જેમાં ટીમે 21 મેચ જીતી. તે વિરાટ કોહલી અને રોહિત શર્મા પછી ODIમાં સક્રિય ખેલાડીઓમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. તમીમ ગયા વર્ષે T20માંથી નિવૃત્ત થયો હતો. તમીમ ઈકબાલે તેની છેલ્લી ટેસ્ટ એપ્રિલમાં આયર્લેન્ડ સામે રમી હતી.