- અફઘાનિસ્તાન 156, બાંગ્લાદેશ 4/158, નજમુલ 59*
- બાંગ્લાદેશે વર્લ્ડ કપમાં પોતાના વિજયી શરૂઆત કરી
- બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી
બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવીને વન-ડે વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. બાંગ્લાદેશે ધર્મશાલાના મેદાનમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી અને અફઘાનિસ્તાનને 37.2 ઓવરમાં 156 રનના સ્કોરે ઓલઆઉટ કરી દીધી હતી.ત્યારબાદ બાંગ્લાદેશે 34.4 ઓવરમાં ચાર વિકેટના ભોગે ટાર્ગેટને હાંસલ કરી લીધો હતો. બાંગ્લાદેશ માટે રનચેઝ કરનાર મહેદી હસન મિરાઝે 73 બોલમાં પાંચ બાઉન્ડ્રી વડે 57 તથા નજમુલ હુસૈન સાન્તોએ 83 બોલમાં અણનમ 59 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશનો ઓપનર તનઝીદ હસન પાંચ રન તથા લિટન દાસ 13 રન બનાવીને આઉટ થયા હતા. મિરાજ અને નજમુલે ત્રીજી વિકેટ માટે 97 રનની ભાગીદારી નોંધાવી હતી. સુકાની શાકિબે 14 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન માટે ઓપનર ગુરબાઝે 62 બોલમાં 47 રનનું યોગદાન આપ્યું હતું. ઇબ્રાહિમ ઝદરાને 22 તથા ઉમરઝાઇએ 22 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના પાંચ બેટ્સમેન બેવડાં આંકનો સ્કોર પણ નોંધાવી શક્યા નહોતા. મેહદી હસન મિરાઝને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.










