- ન્યૂઝીલેન્ડે ડકવર્થ લુઇસ નિયમના આધારે અંતિમ મેચમાં 17 રનથી જીત મેળવી
- જીતની સાથે જ ન્યૂઝીલેન્ડે સિરીઝને બરાબરી પર સમાપ્ત કરી હતી
- કિવિ સુકાની સેન્ટનરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરી હતી
બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી-20 મેચની સિરીઝની અંતિમ મેચ રવિવારે રમાઇ હતી. વર્ષના અંતિમ દિવસે રમાયેલી અને વરસાદથી પ્રભાવિત મેચમાં યજમાન ટીમે જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડે ડકવર્થ લુઇસ નિયમ હેઠળ મેચમાં 17 રને જીત મેળવી હતી. આ જીતની સાથે જ ન્યૂઝીલેન્ડે સિરીઝને બરાબરી પર સમાપ્ત કરી હતી. બાંગ્લાદેશ પહેલી મેચમાં જીત્યું હતું અને બીજી મેચ વરસાદને કારણે રદ થઇ હતી. કિવિ સુકાની સેન્ટનરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરી હતી. બાંગ્લાદેશની ટીમ 19.2 ઓવરમાં 110 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બાંગ્લાદેશનો કોઇપણ બેટ્સમેન 20 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. સુકાની નઝમુલ હસન શાન્તોએ સૌથી વધારે 17 રન કર્યા હતા. તૌહિદે 16, આફિક હુસેને 14, રિશાદ અને રોની તાલુકદારે 10-10 રન કર્યા હતા. શમીમ હુસેને નવ અને ઇસ્લામ આઠ રને આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડના બોલર્સે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ટિમ સાઉદી, બેન સિયર્સ અને એડમ મિલ્નેએ શરૂઆતમાં એક-એક વિકેટ ઝડપી હતી. તે બાદ બોલિંગ કરવા માટે આવેલા સુકાની સેન્ટનરે કેર વર્તાવ્યો હતો અને ચાર વિકેટ ઝડપી હતી. તેણે ચાર ઓવરમાં 16 રન આપ્યા હતા. 111 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 14.4 ઓવરમાં પાંચ વિકેટે 95 રન કર્યા હતા. તે બાદ વરસાદને કારણે રમત આગળ રમાઇ શકી નહોતી અને ડકવર્થ લુઇસના નિયમના આધારે ન્યૂઝીલેન્ડને 17 રને મેચ પોતાના નામે કરી હતી. કિવિ ટીમ માટે ફિન એલને સૌથી વધારે 38 રન કર્યા હતા. જેમ્સ નીશમ 28 અને સેન્ટનર 18 રને અણનમ રહ્યા હતા.










