- હૈદરાબાદમાં BCCIનો વાર્ષિક એવોર્ડ સમારોહ યોજાયો
- શુભમન ગિલને પોલી ઉમરીગર એવોર્ડથી સનમાન્તિ કરાયો
- એવોર્ડ બાદ શુભમન ગિલે પોસ્ટ શેર કરીને ખુશી વ્યક્ત કરી
BCCI દ્વારા મંગળવારે વાર્ષિક એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય ક્રિકેટરોને અલગ-અલગ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમના યુવા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને BCCI દ્વારા 2022-23નો સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મળ્યા બાદ શુભમન ગિલની ખુશીનો પાર ન રહ્યો. બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટરનો એવોર્ડ મળ્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરતા શુભમન ગિલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી.
ગિલે પોસ્ટ શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી
સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર 2022-23 નો એવોર્ડ મેળવ્યા પછી, શુભમન ગિલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈનસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ શેર કરતા શુભમન ગિલે લખ્યું કે, જ્યારે હું 14 વર્ષનો હતો ત્યારે અહીં આવ્યો અને મારા આદર્શ અને દિગ્ગજોને પહેલીવાર મળ્યો ત્યારની મારી પાસે ઘણી જૂની યાદો છે. વિરાટ ભાઈને ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીતતા જોઈને જે મે અનુભવ્યું હતું તે હું ક્યારેય નહીં ભૂલી શકું. આ વર્ષ મારા માટે એક ડગલું આગળ વધવા અને દેશ માટે બધુ સમર્પણ કરવાની શુદ્ધ પ્રેરણા.
ગિલ ઉપરાંત આ ખેલાડીઓને મળ્યા એવોર્ડ
શુભમન ગિલ ઉપરાંત ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને સ્પિન બોલર આર અશ્વિનને પણ BCCI દ્વારા વિશેષ એવોર્ડ આપવામાં આવ્યા છે. જસપ્રિત બુમરાહને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (2021-22)નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે આર અશ્વિનને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઓલ રાઉન્ડર (2020-21) આપવામાં આવ્યો હતો.
આ સિવાય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર પોલી ઉમરીગર એવોર્ડ 2019-20 આપવામાં આવ્યો છે. ટીમના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને સૌથી વધુ ટેસ્ટ રન (2022-23) માટે દિલીપ સર દેસાઈ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારોહમાં વિરાટ કોહલી સિવાય તમામ ખેલાડીઓ હાજર રહ્યા હતા.