• BCCIએ હાર્દિક પંડ્યા પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો
  • IPL આચાર સંહિતા હેઠળ આ સિઝનમાં પંડ્યાની ટીમે કર્યો ગુનો 
  • અગાઉ રિષભ પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

IPL 2024માં 18 એપ્રિલે પંજાબ કિંગ્સ (PBKS) vs મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ હતી. મુંબઈએ આ મેચ રોમાંચક રીતે 9 રને જીતી લીધી હતી પરંતુ મેચ બાદ હાર્દિક પંડ્યાને મોટો આંચકો લાગ્યો હતો. હાર્દિકની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની આ સિઝનમાં પ્રથમ વખત સ્લોઓવર રેટ હેઠળ બોલિંગ કરી હતી. જે બાદ BCCIએ તેના પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

BCCIએ તેની પ્રેસ રિલીઝમાં કહ્યું કે, 'આઈપીએલ આચાર સંહિતા હેઠળ આ સિઝનમાં તેની ટીમ (મુંબઈ ઈન્ડિયન્સ)નો આ પહેલો ગુનો હતો તેથી પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.'

IPLમાં આ કેપ્ટનોને દંડ ફટકારવામાં આવ્યો 

હાર્દિક પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કેપ્ટન શ્રેયસ ઐયર 16 એપ્રિલે IPLમાં સ્લોઓવર રેટથી ફટકો પડ્યો હતો. IPL 2024માં રાજસ્થાન રોયલ્સ સામેની ટીમની રમત દરમિયાન સ્લોઓવર રેટ રાખવા બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્લોઓવર રેટના કારણે KKRને બીજી ઇનિંગની છેલ્લી ઓવરમાં નિર્ધારિત પાંચ ફિલ્ડરોની વિરુદ્ધમાં ચાર ફિલ્ડરો સાથે મેચ રમવી પડી હતી.

રિષભ પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હીને 3 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં 106 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં દિલ્હીએ બીજી વખત ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી. જેના કારણે રિષભ પંત અને દિલ્હી કેપિટલ્સને ભારે નુકસાન થયું છે. પંતને ₹24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવનના અન્ય સભ્યોને (₹6 લાખ અથવા તેમની મેચ ફીના 25%, બેમાંથી જે ઓછું હોય તે) દંડ કરવામાં આવ્યો હતો.

હકીકતમાં IPLમાં સતત બીજી વખત ધીમો ઓવર રેટ રાખવા માટે દોષિત જાહેર થયા બાદ BCCIએ પંત અને સમગ્ર દિલ્હી કેપિટલ્સ ટીમને સજા ફટકારી હતી. પંતે બીજી વખત IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. આ પહેલા ચેન્નાઈ સામેની મેચમાં ધીમી ઓવર રેટના કારણે પંતને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ગિલ અને સંજુ સેમસનને પણ દંડ ફટકાર્યો 

10 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે રાજસ્થાનને 3 વિકેટે હરાવ્યું હતું. પરંતુ મેચમાં સ્લોઓવર રેટના કારણે સંજુ સેમસન પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શુભમન IPLનો પહેલો કેપ્ટન હતો, જેને સ્લોઓવર રેટ હેઠળ દંડ ફટકારવામાં આવ્યો હતો. ચેન્નાઈ સામેની આઈપીએલ મેચમાં ગિલ નિર્ધારિત સમયમાં આખી ઓવર પૂરી કરી શક્યો નહોતો.

જો IPLમાં પહેલીવાર કોઈ વ્યક્તિ સ્લોઓવર રેટ માટે દોષી સાબિત થાય છે તો તેના પર 12 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે. તો બીજી વખત, કેપ્ટનને 24 લાખ રૂપિયા અને ટીમના સભ્યોને 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25%, બેમાંથી જે ઓછું હોય તે દંડ કરવામાં આવે છે.

  • Follow us on: