- આજે ટીમ ઈન્ડિયા રમશે વેસ્ટ ઈન્ડિઝ સામે 100મી આંતરરાષ્ટ્રીય મેચ
- ત્રિનિદાદ ખાતે રમાશે ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચ
- વિરાટ કોહલ એક જીવંત પ્રેરણા રૂપ વ્યક્તિત્વ છે: રાહુલ દ્રવિડ
ડોમિનિકામાં પહેલી ટેસ્ટ મેચમાં ભારતે એક ઇનિંગ અને 141 રન પર જીત નોંધાવી. આ જીતની સાથે ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચોની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. પહેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ 76 રન ફટકારી શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન ઇન્ટરનેશનલ કેરિયરમાં પોતાની 500મી મેચ રમવા જઈ રહેલા વિરાટ કોહલીને લઈને અનેક ખેલાડીઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ 182 બોલમાં 5 ચોક્કાની મદદથી 76 રન બનાવ્યા હતા, જેમાં ભારતની 1 ઇનિંગ અને 141 રને જીત થઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે પોર્ટ ઓફ સ્પેનના કવીન્સ પાર્ક ઓવલ ટ્રેક પર બીજી ટેસ્ટ મેચ રમશે. BCCIના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ દ્રવિડે કહ્યું હતું કે વિરાટ અનેક ખેલાડીઓ માટે જીવંત પ્રેરણા સમાન છે. ટીમમાં અનેક ખેલાડીઓ તેને ધ્યાનમાં રાખે છે. સ્વાભાવિક છે તેમના આંકડા પોતે જ બધુ જ બોલી દે છે. જ્યારે તેમને કોઈ નથી જોઈ રહ્યું હોતું ત્યારે તેઓ પડદા પાછળ રહીને કામ કરે છે તે અવિશ્વસનીય છે.
કોચ રાહુલ દ્રવિડે વધુમાં જણાવ્યું કે, ‘મને લાગે છે તેણે આપણને 500 મેચ રમવા માટે પ્રેરિત કર્યા છે. તે ઘણો જ ફિટ છે અને હજુ પણ મજબૂત ખેલાડી છે. આ સરળ નથી હોતું, તેણે ઘણો ભોગ આપ્યો છે અને ખૂબ મહેનત કરી છે. તેમણે કહ્યું કે, વિરાટની સફર જોઈને સારું લાગે છે. તેણે ઘણી લાંબી મજલ કાપી છે. છેલ્લા 18 મહિનામાં હું તેમને વ્યક્તિગત રીતે ઓળખું છું અને હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું.’
ગુરુવારે રમાનાર બીજી ટેસ્ટ મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 100મી ટેસ્ટ મેચ બની જશે. આ અંગે વાત કરતાં રાહુલ દ્રવિડે કહ્યું હતું કે "વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે 100મી ટેસ્ટ મેચ રમવી એ એક અદ્ભુત અવસર છે. બે મહાન ક્રિકેટિંગ દેશો જે સફળ રહ્યા છે. બંને દેશોમાં ક્રિકેટ પ્રત્યે ઘણો જુસ્સો છે. કેટલાક મહાન ખેલાડીઓએ આ 100 ટેસ્ટ મેચોમાં કેટલીક શાનદાર ક્રિકેટ રમી છે. તેનો ભાગ બનવાની આ ખાસ તક છે."