ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ 22 નવેમ્બરથી શરૂ થવાની છે. દર વખતની જેમ આ વખતે પણ સમગ્ર વિશ્વ ક્રિકેટની નજર આ સિરીઝ પર ટકેલી છે. ફરી એકવાર ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને કાંગારૂ ટીમના બોલરો વચ્ચે જોરદાર જંગ થશે. ઓસ્ટ્રેલિયા તરફથી લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને ટીમ ઈન્ડિયા માટે મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે. કાંગારૂ ફાસ્ટ બોલર પણ અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે. આ દરમિયાન સ્ટાર્કે એવા ભારતીય બેટ્સમેનનું નામ આપ્યું છે જેની સામે તેને બોલિંગ સૌથી વધુ પસંદ છે.
સ્ટાર્ક કોની સામે બોલિંગ કરવી પસંદ છે?
મિચેલ સ્ટાર્કની ગણતરી વિશ્વના સૌથી ખતરનાક ફાસ્ટ બોલરોમાં થાય છે. સ્ટાર્ક પાસે કોઈપણ બેટિંગ ઓર્ડરને નષ્ટ કરવાની શક્તિ હોય છે. બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં કાંગારૂ બેટ્સમેન ભારતીય બેટ્સમેનોની પણ કસોટી કરતા જોવા મળશે. સ્ટાર્કનું કહેવું છે કે, તેને ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સામે બોલિંગ કરવાની મજા આવે છે.
મિચેલ સ્ટાર્કે કર્યો ખુલાસો
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરે એક ઈન્ટરવૂયમાં કહ્યું કે, “મને વિરાટ કોહલી સામે બોલિંગ કરવામાં મજા આવે છે. કારણ કે, અમે એકબીજા સામે ઘણું ક્રિકેટ રમ્યું છે. મારી અને વિરાટ વચ્ચે ઘણી રોમાંચક લડાઈઓ થઈ છે. મેં તેને એક કે બે વાર આઉટ કર્યો છે અને તેમાં કોઈ શંકા નથી કે તેણે મારી સામે ઘણા રન બનાવ્યા છે.
ભારત સામે મજબૂત રેકોર્ડ
ભારત સામે મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. સ્ટાર્કે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા સામે અત્યાર સુધીમાં કુલ 18 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન સ્ટાર્કે ભારતના 48 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. જો કે, ભારતીય ધરતી પર સ્ટાર્કનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. કાંગારૂ બોલરે ભારતમાં રમાયેલી 6 ટેસ્ટ મેચમાં કુલ 9 વિકેટ ઝડપી છે. વર્તમાન ફોર્મની વાત કરીએ તો સ્ટાર્ક વર્ષ 2024માં તબાહી મચાવી રહ્યો છે. સ્ટાર્કે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 5 મેચ રમી છે અને તેણે કુલ 16 વિકેટ લીધી છે. તે જ સમયે, સ્ટાર્કે ગયા વર્ષે રમાયેલી 9 ટેસ્ટ મેચમાં 38 વિકેટ લીધી હતી.