ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ લંડનના ઓવલ ખાતે શરૂ થઈ હતી, જેનો પ્રથમ દિવસ સંપૂર્ણ રીતે યજમાન ઈંગ્લેન્ડની ટીમના નામે રહ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલા ઈંગ્લેન્ડે ખરાબ પ્રકાશને કારણે પ્રથમ દિવસની રમત વહેલી સમાપ્ત થઈ ત્યારે 3 વિકેટના નુકસાને 221 રન બનાવ્યા હતા.
આ ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડની ટીમની કેપ્ટનશીપ કરી રહેલા ઓલી પોપ 103 રન બનાવીને અણનમ રહ્યા હતા, ત્યારે ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટે 86 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેના આધારે તે એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યો હતો.
બેન ડકેટે WTC 2023-25માં તેના હજાર રન પૂરા કર્યા
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ત્રીજી આવૃત્તિમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની મેચ પહેલા માત્ર 2 એવા ખેલાડી હતા જે હજાર રનનો આંકડો પૂરો કરવામાં સફળ રહ્યા હતા. હવે ત્રીજા ખેલાડી તરીકે ઈંગ્લેન્ડ ટીમના ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટનું નામ પણ તેમાં સામેલ થઈ ગયું છે. 86 રનની ઈનિંગના કારણે ડકેટ WTC 2023-25માં હજાર રનનો આંકડો પાર કર્યો છે અને હવે તેના નામે 1021 રન છે. તેના પહેલા જો રૂટ અને યશસ્વી જયસ્વાલ આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યા હતા. આ યાદીમાં રૂટ 1386 રન સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે યશસ્વી જયસ્વાલ 1028 રન સાથે બીજા સ્થાને છે.
બેન ડકેટનું પ્રદર્શન
વર્ષ 2024માં ટેસ્ટ ફોર્મેટમાં બેન ડકેટના પ્રદર્શન પર નજર કરીએ તો તે અત્યાર સુધી અપેક્ષાઓ મુજબ રહ્યો નથી, જેમાં તેણે 11 ટેસ્ટ મેચની 20 ઇનિંગ્સમાં 35ની એવરેજથી કુલ 700 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન ડકેટે બેટથી એક સદી અને ત્રણ ફિફ્ટી ફટકારી છે. અત્યાર સુધીમાં, બેન ડકેટે ટેસ્ટ ક્રિકેટમાં 25 મેચ રમી છે અને લગભગ 40 ની એવરેજથી 1735 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદીની ઇનિંગ્સ નોંધાઈ છે.