- લોર્ડ્સ ટેસ્ટના પાંચમા દિવસે બેન સ્ટોક્સે શાનદાર સદી ફટકારી
- બેન સ્ટોક્સે સતત 3 છગ્ગા ફટકારીને સદીના આંકડાને સ્પર્શ કર્યો
- તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 9 સિક્સર ફટકારી હતી
લોર્ડ્સ ટેસ્ટના પાંચમા દિવસે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે શાનદાર સદી ફટકારી હતી. બેન સ્ટોક્સે સતત 3 છગ્ગા ફટકારીને સદીના આંકડાને સ્પર્શ કર્યો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટને કેમેરોન ગ્રીનને સતત 3 બોલમાં 3 સિક્સ ફટકારી હતી. બેન સ્ટોક્સ 214 બોલમાં 155 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 9 સિક્સર ફટકારી હતી.
ઈંગ્લેન્ડને 371 રનનો ટાર્ગેટ મળ્યો
બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 279 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઈંગ્લેન્ડને 371 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટે 83 રન અને બેન સ્ટોક્સે 155 રન બનાવ્યા હતા. પરંતુ અન્ય કોઈ બેટ્સમેનનો સપોર્ટ ન મળવાને કારણે તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં. જેક ક્રોલી 03, ઓલી પોપ 03, જો રૂટ 18 અને હેરી બ્રુક 04 સસ્તામાં આઉટ થયા હતા. આ રીતે ઈંગ્લેન્ડની ચાર મહત્ત્વની વિકેટ 45 રનમાં પડી ગઈ હતી. આ પછી બેન ડકેટ અને બેન સ્ટોક્સે 132 રનની ભાગીદારી કરી હતી. જોકે, ડકેટ 112 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 83 રન બનાવીને આઉટ થયો હતો.
આ પછી જોની બેયરસ્ટો 10 રન બનાવીને વિવાદાસ્પદ રનઆઉટ થયો હતો. બેયરસ્ટોના આઉટ થયા બાદ સ્ટોક્સે આક્રમક વલણ અપનાવ્યું અને સ્ટુઅર્ટ બ્રોડ સાથે 109 રનની ભાગીદારી કરી. સ્ટોક્સે 214 બોલમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 155 રન બનાવ્યા હતા. બ્રોડ 11 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઓલી રોબિન્સન 01 તરત જ આઉટ થયો હતો.
જોશ ટોંગ અને એન્ડરસને આશા જગાવી
302 રનમાં 9 વિકેટ પડી ગયા બાદ જોશ ટોંગ અને જેમ્સ એન્ડરસન વચ્ચે 25 રનની ભાગીદારી થઈ હતી. જોશ ટોંગે 19 રન બનાવ્યા હતા. જ્યારે એન્ડરસન 3 રને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગમાં મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય કેમેરોન ગ્રીનને એક વિકેટ મળી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયા માટે પહેલી ઈનિંગમાં સ્ટીવ સ્મિથે 110, ટ્રેવિસ હેડે 77 અને ડેવિડ વોર્નરે 66 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે પહેલી ઈનિંગમાં બેન ડકેટે 98 અને હેરી બ્રુકે 50 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઇનિંગમાં ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 77 રન બનાવ્યા હતા.