ભારતીય ક્રિકેટ પ્રશંસકો માટે ખરાબ સમાચાર છે. ટીમ ઈન્ડિયાનો યુવા બેટ્સમેન સરફરાઝ ખાન ટ્રેનિંગ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરફરાઝ ખાન કોણીની ઈજા બાદ પર્થમાં મેદાન છોડી ગયો હતો. જોકે સરફરાઝ ખાનની ઈજા અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટની સાથે પ્રશંસકોના હૃદયના ધબકારા ચોક્કસ વધી ગયા છે રફરાઝ ખાને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું. હવે ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ પહેલા સરફરાઝ ખાનની ઈજા ભારતીય ચાહકો માટે સારા સમાચાર નથી.
ટ્રેનિંગ સેશનમાં ઈજાગ્રસ્ત થયા બાદ સરફરાઝ ખાન મેદાન છોડી ગયો હતો.
ફોક્સ સ્પોર્ટ્સે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સરફરાઝ ખાન કોણીની ઈજા બાદ મેદાન છોડી રહ્યો છે. સરફરાઝ ખાન પણ દર્દથી કણસી રહ્યો છે. સરફરાઝ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
સરફરાઝની ઈજા કેટલી ગંભીર છે?
જોકે, એવું જાણવા મળ્યું છે કે ઈજા ગંભીર નથી અને બેટ્સમેનને એમઆરઆઈ કરાવવાની જરૂર નથી. સરફરાઝ પર્થમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં રમી શકે છે કારણ કે ભારતીય કેપ્ટન રોહિત શર્માના પ્રથમ ટેસ્ટમાં રમવા અંગે શંકા છે. રોહિત તેના બીજા બાળકના જન્મ માટે હજુ પણ મુંબઈમાં છે. જો રોહિત સિરીઝની પ્રથમ મેચ માટે ઉપલબ્ધ ન હોય તો લોકેશ રાહુલને યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરવા માટે કહેવામાં આવી શકે છે, જે મિડલ ઓર્ડરમાં સરફરાઝ માટે જગ્યા બનાવશે.