• બ્રેકના સમયમાં ઇશાન શું કરે છે તેનાથી BCCIને કોઈ ફરક પડવો જોઈએ નહીં

  • ટીમમાં સામેલ હોવા છતાં રમવાની તક નહીં મળવાના કારણે ઇશાન પરેશાન જણાતો હતો
  • તેને બ્રેક આપવામાં આવ્યો છે ત્યારે તે ક્યાં શું કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી

 ભારતીય ટીમે તાજેતરમાં ખેડેલા સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન યુવા ખેલાડી ઇશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તેને રમવાની તક મળી નહોતી. ઇશાન સાઉથ આફ્રિકાના પ્રવાસેથી માનસિક થકાનના ઇશ્યૂના બહાને વતન પરત ફરી ગયો હતો. ટીમમાં સામેલ હોવા છતાં રમવાની તક નહીં મળવાના કારણે ઇશાન પરેશાન જણાતો હતો. પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નહીં મળવાની બાબતને કિશન યોગ્ય રીતે લઈ રહ્યો નથી તેવી ટીમ મેનેજમેન્ટ તથા લીડરશિપ વચ્ચે આ બાબતની ચર્ચા પણ થઈ હતી. હવે 25 વર્ષીય ઇશાન મેન્ટલ હેલ્થ ઇશ્યૂના બહાનાં હેઠળ દુબઇમાં પાર્ટી કરી રહ્યો હતો જેના કારણે તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

વર્લ્ડ કપ બાદ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટી20 મેચની શ્રેણી દરમિયાન કિશને આરામ માગ્યો હતો પરંતુ બોર્ડે તેની વિનંતીને નકારી નાખી હતી. તેને ત્રણ મેચ બાદ બે મેચમાં આરામ મળ્યો હોવા છતાં તેને ટીમ સાથે જાળવી રાખવામાં આવ્યો હતો. ઇશાન આફ્રિકન પ્રવાસ દરમિયાન વ્હાઇટબોલમાંથી બ્રેક લેવા માગતો હતો અને તે ટેસ્ટ શ્રેણીનો હિસ્સો બનવાની ઇચ્છા ધરાવતો હતો. આ ટૂર પહેલાં ઇશાન અને બોર્ડ વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે તેવા અહેવાલ સપાટી ઉપર આવ્યા છે. ઇશાનની નજીકની વ્યક્તિએ જણાવ્યું હતું કે જ્યારે તેને બ્રેક આપવામાં આવ્યો છે ત્યારે તે ક્યાં શું કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.


  • Follow us on: