ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી 5 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આ સિરીઝ માટે સખત પ્રેક્ટિસ કરી રહ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલને જોતા આ સીરીઝ પણ ઘણી મહત્વની બની રહી છે. સિરીઝની પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. પરંતુ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. રોહિત શર્માની રમતને લઈને પહેલાથી જ સસ્પેન્સ છે અને હવે એક સ્ટાર ખેલાડી પણ ઈજાગ્રસ્ત થયો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ખેલાડી પ્રથમ ટેસ્ટમાંથી પણ બહાર થઈ શકે છે.
આ સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્ટાર ભારતીય બેટ્સમેન શુભમન ગિલ ઈજાગ્રસ્ત છે. પર્થમાં ઈન્ડિયા A સામેની મેચ દરમિયાન તેને અંગૂઠામાં ઈજા થઈ હતી. તે ખૂબ જ પીડામાં જોવા મળ્યો હતો અને તરત જ વધુ સ્કેન માટે મેદાન છોડી ગયો હતો. જે બાદ એ વાત સામે આવી છે કે ગિલને ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે, જેના કારણે તે 22 નવેમ્બરથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆતની ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે.
ગિલને અંગૂઠાનું ફ્રેક્ચર થયુ
અમે તમને જણાવી દઈએ કે, અંગૂઠાના ફ્રેક્ચરને સાજા થવામાં સામાન્ય રીતે લગભગ 14 દિવસનો સમય લાગે છે, જેના પછી નિયમિત નેટ સેશન શરૂ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં એડિલેડમાં બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી શરૂ થશે, તેથી તે મેચ માટે તે સમયસર ફિટ થઈ જાય તેવી સંભાવના છે.
સતત ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે ભારતીય ખેલાડી
ઓસ્ટ્રેલિયા તરફથી ભારતીય ખેલાડીઓની ઈજાના સતત અહેવાલો આવી રહ્યા છે, જે સારા સંકેત નથી. 14 નવેમ્બરે WACA ખાતે ભારતના પ્રેક્ટિસ સેશન દરમિયાન નેટ્સમાં બેટિંગ કરતી વખતે યુવા બેટ્સમેન સરફરાઝ ખાનને પણ કોણીમાં ઈજા થઈ હતી. આ સમય દરમિયાન તે થોડો અસહજ દેખાતો હતો, જોકે તેની ઈજા બહુ ગંભીર નહોતી. તે જ સમયે કેએલ રાહુલ પણ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. 15 નવેમ્બરે સેન્ટર વિકેટ મેચ સિમ્યુલેશન દરમિયાન રાહુલને જમણી કોણીમાં ઈજા થઈ હતી. જે બાદ તેણે બેટિંગ પણ કરી ન હતી. વિરાટ કોહલી પણ ઈજાને લઈને ચિંતિત હતો, પરંતુ સ્કેન બાદ તે એકદમ ઠીક હોવાનું જાણવા મળ્યું હતું.
રોહિતને રમવાને લઈને સસ્પેન્સ
તમને જણાવી દઈએ કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટનો ભાગ બનશે કે નહીં. જો રોહિત નહીં રમે તો કેએલ રાહુલને ઓપનિંગની જવાબદારી મળી શકે છે. જ્યારે, શુભમન ગિલ ત્રીજા નંબર પર રમે છે. આવી સ્થિતિમાં, આ બંને ખેલાડીઓ ટીમના સૌથી મહત્વપૂર્ણ સભ્યો છે.