- અમિત પંધાલ સતત બીજી વાર ઓલિમ્પિક રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
- અમિત પંધાલ પેરિસ ઓલિમ્પિકમાં સ્થાન મેળવનાર પાંચમા ભારતીય બોક્સર
- પંધાલે ઇન્ડિયન બોક્સિંગ ફેડરેશનની મૂલ્યાંકન પ્રણાલીને કારણે નેશનલ ટીમમાંથી સ્થાન ગુમાવ્યું
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ વિજેતા બોક્સર અમિત પંધાલ (51 કિગ્રા વર્ગ)એ રવિવારે પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મેળવી લીધી છે. હરિયાણાના પંધાલે બીજી વર્લ્ડ ક્વોલિફિકેશન બોક્સિંગ ટૂર્નામેન્ટની ક્વાર્ટરફાઇનલમાં શાનદાર વાપસી કરતા ચીનના ચુઆંગ લિયૂને વનસાઇડેડ મેચમાં 5-0થી પરાજય આપ્યો હતો. તે સતત બીજીવાર ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બે અન્ય બોક્સર જસ્મીન લિંબોરિયા (57 કિગ્રા) અને સચિન સિવાય (57 કિગ્રા) પણ ઓલિમ્પિક ક્વોટા મેળવવાની દોડમાં સામેલ છે.
અમિત પંધાલ પેરિસ ઓલિમ્પિકમાં સ્થાન મેળવનાર પાંચમા ભારતીય બોક્સર છે. આ પહેલા નિશાંત દેવ (71 કિલો), નિખત ઝરીન (50 કિલો), પ્રીતિ પવાર (54 કિલો) અને લવલીના બોરગાહેન (75 કિલો) ઓલ્પિમિક રમતો માટે ક્વોલિફાય થઇ ચૂક્યા છે. અમિત પંધાલને પેરિસ ઓલિમ્પિકમાં સ્થાન મેળવવા માટે માત્ર આ એક જ તક મળી હતી જેનો 2018ના એશિયન ગેમ્સ ચેમ્પિયને પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. પંધાલે ઇન્ડિયન બોક્સિંગ ફેડરેશનની મૂલ્યાંકન પ્રણાલીને કારણે નેશનલ ટીમમાંથી પોતાનું સ્થાન ગુમાવી દીધું હતું. તેની જગ્યાએ વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલિસ્ટ દીપક ભોરિયાને ટીમમાં પસંદ કરાયો હતો જેમે છેલ્લી બે ક્વોલિફાઇંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પંધાલ 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.










