- પેરિસ ગેમ્સનો ક્વોટા હાંસલ કરનાર ભારતનો પ્રથમ બોક્સર બન્યો
- ભારતે આ રીતે બોક્સિંગમાં ઓલિમ્પિક માટે ચોથો ક્વોટા મેળવ્યો
- મેન્સ 71 કિલોગ્રામ કેટેગરીમાં પાંચ ક્વોટા દાવ ઉપર લાગ્યા હતા
ભારતના યુવા બોક્સર નિશાંદ દેવે 71 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં બોક્સિંગ ઓલિમ્પિક ક્વોલિફાયર્સની સેમિફાઇનલમાં પહોંચીને ચાલુ વર્ષે યોજાનારી પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું. પેરિસ ગેમ્સનો ક્વોટા હાંસલ કરનાર તે ભારતનો પ્રથમ બોક્સર બન્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા અને છેલ્લા ક્વોલિફાયર્સમાં નજીવા અંતરે ઓલિમ્પિકની ટિકિટથી વંચિતરહેલા નિશાંતે ક્વાર્ટર ફાઇનલમાં માલ્ડોવાના વાસિલ સેબોટારીને 5-0થી પરાજય આપ્યો હતો. ભારતે આ રીતે બોક્સિંગમાં ઓલિમ્પિક માટે ચોથો ક્વોટા મેળવ્યો છે. નિશાંત પહેલાં મહિલા બોક્સર નિકહત ઝરીન (50 કિલો), પ્રીતિ પવાર (54 કિલો) તથા લવલીના બોરગોહેન (75 કિલો) પેરિસ ગેમ્સ માટે ક્વોલિફાય થઇ ચૂકી છે. મેન્સ 71 કિલોગ્રામ કેટેગરીમાં પાંચ ક્વોટા દાવ ઉપર લાગ્યા હતા. આ પહેલાં અંકુશિતા બોરોનો એગ્નેસ એલેક્સિયસન સામે 2-3ના સ્કોરથી પરાજય થતાં ભારતની વિમેન્સ 60 કિલોગ્રામ કેટેગરીમાં ક્વોટા હાંસલ કરવાની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું.










