• ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાઈ હતી
  • આ મેચ ટીમ ઈન્ડિયા 6 રનથી જીતવામાં સફળ રહી હતી
  • ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ ICCને મોકલી દેવામાં આવ્યું

અમેરિકાના ન્યૂયોર્કમાં 9 જૂન, રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયા 6 રનથી જીતવામાં સફળ રહી હતી. હવે એ કહેવું મુશ્કેલ છે કે આ વર્ષના T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે આવશે કે કેમ. પરંતુ એ વાત ચોક્કસ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતા વર્ષે બીજી મોટી ટક્કર થવાની સંભાવના છે. આ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ICCને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનની મેચ

T20 વર્લ્ડકપ અંતર્ગત 9 જૂને રમાયેલી મેચ બાદ હવે એવી શક્યતા દેખાઈ રહી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવેથી લગભગ 8 મહિના પછી જ થઈ શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન થવાનું છે. આ વખતે તેની યજમાની પાકિસ્તાને કરી છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવાની પરવાનગી મળશે કે નહીં, પરંતુ આ દરમિયાન એવા સમાચાર છે કે PCB ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાય.

ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ ICCને મોકલી દેવામાં આવ્યું

એવું જાણવા મળ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ડ્રાફ્ટ શેડ્યૂલ PCB એટલે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ICCને મોકલવામાં આવ્યું છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ લાહોરમાં યોજાશે. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 19 ફેબ્રુઆરીથી 9 માર્ચની વચ્ચે થઈ શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો ભાગ લેતી જોવા મળશે.

ટીમ ઈન્ડિયા અંગે અંતિમ નિર્ણય ભારત સરકાર લેશે

PCBએ ભલે પોતાના પ્રયાસો શરૂ કરી દીધા હોય, પરંતુ ભારતીય ટીમ પાકિસ્તાન સામે રમવા જશે કે કેમ તે અંગે મોટો પ્રશ્ન છે. BCCIના ટોચના અધિકારીઓએ પહેલા જ કહ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન જવા અંગે અંતિમ નિર્ણય ભારત સરકાર લેશે. તેઓ અત્યારે આ અંગે કંઈ કહી શકે તેમ નથી. જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય તો PCBને હાઈબ્રિડ મોડલ અપનાવવું પડી શકે છે, જે થોડા દિવસ પહેલા એશિયા કપ દરમિયાન જોવા મળ્યું હતું.

  • Follow us on: