આવતા મહિને પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી આ ટુર્નામેન્ટ માટે, બીસીસીઆઈએ રોહિત શર્માને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે, જેના નેતૃત્વમાં ટીમ ગયા વર્ષે T20 વર્લ્ડકપ ચેમ્પિયન બની હતી.


બાંગ્લાદેશ સામે શરૂઆત કરશે ભારત 

ભારત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે, જ્યારે 23 ફેબ્રુઆરીએ તેઓ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. ભારતનો છેલ્લો લીગ મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે હશે. ભારત તેની બધી મેચો યુએઈમાં હાઈબ્રિડ મોડેલ હેઠળ રમશે.

ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે ટીમની જાહેરાત કરી, પરંતુ મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન ન મળવું એ આશ્ચર્યજનક બાબત હતી. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર નીતિશ કુમાર રેડ્ડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. વિજય હજારે ટ્રોફીમાં 8 મેચમાં 752 રન બનાવનાર કરુણ નાયરને પણ વાપસીની તક આપવામાં આવી નથી.

ઈજા બાદ પણ બુમરાહ અને કુલદીપને મળ્યું સ્થાન

ઈજા બાદ પણ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ત્રણમાંથી ફક્ત શમી જ સંપૂર્ણ રીતે ફિટ છે, જ્યારે બાકીના બે ખેલાડીઓ પર BCCI મેડિકલ સ્ટાફ નજર રાખશે. મોહમ્મદ સિરાજ તેના વધતા કાર્યભાર અને તાજેતરના ફોર્મની ટીકાને કારણે ટીમમાં નથી.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની 15 સભ્યોની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી , અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા.

  • Follow us on: