• IPLની 16મી સિઝનની ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રીતે સમાપ્ત થઈ
  • ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લા 2 બોલમાં જરૂરી 10 રન બનાવીને 5મી વખત ટાઈટલ જીત્યું
  • ટ્રોફી જીત્યા પછી CSKની ટીમ તિરુમાલા તિરુપતિ મંદિરમાં ટ્રોફી સાથે પહોંચી

IPLની 16મી સિઝનની ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રીતે સમાપ્ત થઈ. ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લા 2 બોલમાં જરૂરી 10 રન બનાવીને 5મી વખત ટાઈટલ જીત્યું હતું. ટ્રોફી જીત્યા પછી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 30 મેના રોજ ચેન્નાઈના ત્યાગરાય નગરમાં સ્થિત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ મંદિરમાં ટ્રોફી સાથે આવી પહોંચી હતી. અહીં તેમણે ટ્રોફી માટે વિશેષ પ્રાર્થના કરી હતી.


30 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ ખિતાબ જીતીને ચેન્નાઈ પહોંચતા જ એરપોર્ટથી જ ટ્રોફીને પ્રતિષ્ઠિત મંદિરમાં લાવવામાં આવી હતી. જોકે, આ દરમિયાન ચેન્નાઈ ટીમનો કોઈ ખેલાડી ત્યાં હાજર નહોતો. ટ્રોફીની ખાસ પૂજાના ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ અને વર્તમાન ઈન્ડિયા સિમેન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર એન. શ્રીનિવાસને આ વિશેષ પૂજામાં ભાગ લીધો હતો.


2 વર્ષના પ્રતિબંધ પછી જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે ફરી વર્ષ 2018માં IPLમાં વાપસી કરી અને ટ્રોફી જીતી. ત્યારથી જ્યારે પણ ટીમ ટાઇટલ જીતે છે, ત્યારે પ્રખ્યાત ત્યાગરાય નગર સ્થિત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ મંદિરમાં ટ્રોફી લાવવાની પરંપરા બની ગઈ છે. વરસાદના કારણે આ વખતે ફાઈનલ મેચ રિઝર્વ ડે પર રાખવામાં આવી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી

IPL ટ્રોફી જીતવાની બાબતમાં ચેન્નાઈ સુપર કિંગ્સે હવે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. હવે આ ખિતાબ 5-5 વખત જીતવાનો રેકોર્ડ બંને ટીમોના નામે નોંધાઈ ગયો છે. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ક્રેઝ આ સિઝનમાં દરેક શહેરમાં જોવા મળ્યો હતો. જે પણ સ્ટેડિયમમાં ટીમ રમવા પહોંચી, તેને ઘરઆંગણે ટીમનો વધુ સાથ મળ્યો.

  • Follow us on: