- લિજેન્ડ્સ લીગ ક્રિકેટ સિઝન-2માં ક્રિસ ગેલની એન્ટ્રી
- 17 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ભારતમાં રમાશે લીગ
- ગાંગુલી, હરભજન, બ્રેટલી સહિતના દિગ્ગજો લેશે ભાગ
વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ ખેલાડી અને દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ લિજેન્ડ્સ લીગમાં રમશે. ક્રિસ ગેલે પુષ્ટિ કરી છે કે લિજેન્ડ્સ લીગમાં રમવું તેના માટે આનંદની વાત છે અને આનાથી તે ખૂબ જ ઉત્સાહિત છે.
યુનિવર્સલ બોસ ક્રિસ ગેલનું કમબેક
વેસ્ટ ઈન્ડિઝનો ધમાકેદાર બેટ્સમેન ક્રિસ ગેલ લિજેન્ડ્સ લીગની સીઝન 2માં રમશે. T20ના માસ્ટર ગણાતા ક્રિસ ગેલના નામે ઘણા રેકોર્ડ છે. T20માં સૌથી વધુ સદી, સૌથી ઝડપી સદી, સૌથી વધુ ચોગ્ગા, છગ્ગા અને 10 હજારથી વધુ રનનો રેકોર્ડ પણ ક્રિસ ગેલના નામે છે. તે તેની સમગ્ર કારકિર્દીમાં બે વખત 300થી વધુનો સ્કોર બનાવનાર ચોથો ખેલાડી છે.
લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં દિગ્ગજોની એન્ટ્રી
લિજેન્ડ્સ લીગમાં રમવાની પુષ્ટિ કરતા ક્રિસ ગેઈલે કહ્યું છે કે મને લેજેન્ડ્સ લીગમાં રમવાની તક મળી રહી છે તે ખૂબ જ આનંદની વાત છે. તે ખૂબ જ પ્રતિષ્ઠિત લીગ છે અને તેમાં ક્રિકેટના મહાન ખેલાડીઓ રમે છે. હું ખૂબ જ ઉત્સાહિત છું. લિજેન્ડ્સ લીગ ક્રિકેટના સીઈઓ રમણ રહેજાએ જણાવ્યું હતું કે આજે ક્રિસ ગેલના આવવાથી લિજેન્ડ્સ લીગ મોટી થઈ ગઈ છે. પ્રખ્યાત ભૂતપૂર્વ ક્રિકેટરો સાથે આ વખતે આ સિઝન વધુ શાનદાર બનવાની છે.
સૌરવ ગાંગુલી પણ સામેલ થશે
હાલમાં જ ખબર સામે આવી છે કે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી પણ આ લીગમાં રમવા માટે રાજી થઈ ગયા છે. ગાંગુલીને ફરીથી મેદાન પર જોવો દર્શકો માટે વધુ રોમાંચક હશે. રમણ રહેજાએ સૌરવ ગાંગુલીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ગાંગુલી હંમેશા લિજેન્ડ રહ્યો છે. ગાંગુલી ખાસ મેચ રમશે.

લીગ 17 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ચાલશે
લીગ ઓફ લિજેન્ડ્સ ભારતમાં 17 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે. લીગમાં 4 ટીમો રમશે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ લીગ ઓફ લિજેન્ડ્સમાં રમવાની પુષ્ટિ કરી છે.