- ભારતીય ખેલાડીઓ રમે તે માટે બીસીસીઆઇને આગ્રહ કરશે
- ભારતીય ખેલાડી નિવૃત્તિ બાદ વિદેશની લીગમાં રમી શકે છે
- સાઉદી અરબ હવે ક્રિકેટમાં પણ જંગી રોકાણ કરવા માગે છે
વિશ્વભરમાં ફ્રેન્ચાઇઝી ક્રિકેટની વધી રહેલી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ગલ્ફ દેશ સાઉદી અરબ પોતાના દેશમાં આઇપીએલ કરતાં પણ મોંઘી તથા મોટી ક્રિકેટ લીગ રમાડવાની યોજના ઘડી રહ્યું છે. આ માટે તે આઇપીએલની ફ્રેન્ચાઇઝીઓ સાથે વાટાઘાટ પણ કરી રહ્યું છે અને તે પોતાના આ પ્લાનિંગ ઉપર છેલ્લા એક વર્ષથી કાર્ય પણ કરી રહ્યું છે. રિપોર્ટના અનુસાર પોતાની ફ્રેન્ચાઇઝી લીગને સફળ બનાવવા માટે સાઉદી અરબ બીસીસીઆઇ પાસે ભારતીય ખેલાડીને મંજૂરી આપવાની વિનંતી કરી શકે છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં ભારતીય ખેલાડીઓને વિદેશની લીગોમાં રમવાની મંજૂરી આપવામાં આવી નથી. ભારતીય ખેલાડી નિવૃત્તિ બાદ વિદેશની લીગમાં રમી શકે છે.
અખાતી પ્રદેશમાં રમાનારી કોઇ પણ સંભવિત લીગને આઇસીસી, ઓસ્ટ્રેલિયા સહિત અન્ય સભ્ય દેશોની મંજૂરી લેવી જરૂરી છે. સાઉદી અરબે છેલ્લા કેટલાક સમયથી રમતોમાં ઘણું રોકાણ કર્યું છે. સરકારે પોતાના ત્યાં સાઉદી અરબ ગ્રાન્ડ પ્રિક્સ શરૂ કરીને ફોર્મ્યુલા-1માં એન્ટ્રી કરી છે. ગોલ્ફમાં પણ ભારે રોકાણ કરીને લીવ ગોલ્ફ શરૂ કરી છે. સાઉદી અરબે ઇંગ્લેન્ડની પ્રીમિયર ફૂટબોલ લીગની ક્લબ ન્યૂ કાસલ યુનાઇટેડ પણ પોતાના હસ્તક કરી લીધી છે. હવે તે ક્રિકેટમાં જંગી રોકાણ કરવાની યોજના ઘડી રહ્યું છે.










