• 15મી સોમવારે વહેલી સવારે 5:30 કલાકે ફાઇનલ રમાશે

  • લાયોનલ મેસ્સી અને જેમ્સ રોડ્રિગુઝ વચ્ચે રોમાંચક મુકાબલાની સંભાવના
  • કેનેડાને 2-0થી હરાવીને આર્જેન્ટિનાએ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું

એનએફએલ માયામી ડોલ્ફિન્સના હોમગ્રાઉન્ડમાં આર્જેન્ટિના અને કોલંબિયા વચ્ચે કોપા અમેરિકા ફૂટબોલ કપનો ફાઇનલ મુકાબલો રમાશે. આ મેચ 15મી જુલાઇએ સોમવારે વહેલી સવારે 5:30 કલાકે રમાશે. કેનેડાને 2-0થી હરાવીને આર્જેન્ટિનાએ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. મેસ્સીએ ટૂર્નામેન્ટનો પ્રથમ ગોલ કર્યો હતો અને ત્યારબાદ જુલિયન અલ્વારેઝે બીજો ગોલ કરીને ટીમને વિજય અપાવી દીધો હતો. પૂરી ટૂર્નામેન્ટમાં આર્જેન્ટિનાએ હાઇએસ્ટ લેવલની રમતનું પ્રદર્શન કર્યું છે.

ઇક્વાડોર સામેની મેચમાં તેને પેનલ્ટી શૂટઆઉટમાં જવું પડયું હતું. ઉરુગ્વે સામે લડાયક મિજાજથી રમતનું પ્રદર્શન કરીને કોલંબિયાને 1-0થી વિજય હાંસલ કરીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. બીજા હાફમાં કોલંબિયન ટીમને 10 ખેલાડીઓથી રમવું પડયું હતું. કોલંબિયન ટીમ છેલ્લી 28 મેચથી અજેય રહી છે જે તેના ફૂટબોલ ઇતિહાસની લોંગેસ્ટ રહી છે. 23 વર્ષમાં કોલંબિયન ટીમ પ્રથમ વખત કોઇ મેજર ટૂર્નામેન્ટની ફાઇનલ રમશે.

ફાઇનલ મુકાબલામાં આર્જેન્ટિનાના લાયોનલ મેસ્સી અને કોલંબિયાના જેમ્સ રોડ્રિગુઝ વચ્ચે રસપ્રદ રસાકસી થઇ શકે છે. ટેલેન્ટેડ મિડફિલ્ડર રોડ્રિગુઝ કોલંબિયાની સફળતામાં મુખ્ય ચાવીરૂપ ખેલાડી બન્યો છે અને તે બે દશકા કરતાં વધારે સમય બાદ પોતાની ટીમને ટાઇટલ જીતાડવાના તમામ પ્રયાસ કરશે.


  • Follow us on: