- બીસીસીઆઇ હાર્દિક પંડયાને ટી20નો સુકાની બનાવે તેવા સંકેત
- ભારતીય ટીમ રોહિતની કેપ્ટનશિપ હેઠળ ટી20 વર્લ્ડ કપમાં જે છેલ્લી મેચ રમશે
- રોહિત પાસે પણ પોતાને શોર્ટેસ્ટ ફેર્મેટમાં સાબિત કરવા માટેની છેલ્લી તક
અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની યજમાની હેઠળ જૂન મહિનામાં ટી20 વર્લ્ડ કપ રમાશે અને વિશ્વની 20 ટીમો ક્રિકેટની મેજર ઇવેન્ટ માટે તૈયાર થઇ ચૂકી છે. ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરશે અને સંભવિત તે ટી20 ઇન્ટરનેશનલ ફેર્મેટને અલવિદા કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમ રોહિતની કેપ્ટનશિપ હેઠળ ટી20 વર્લ્ડ કપમાં જે છેલ્લી મેચ રમશે તે રોહિતની અંતિમ ટી20 ઇન્ટરનેશનલ મેચ રમશે. આ બાબતનું મુખ્ય કારણ હાર્દિક પંડયા માનવામાં આવી રહ્યું છે. બીસીસીઆઇ રોહિત બાદ હાર્દિકને ટી20નો સુકાની બનાવવા માગે છે. ઓલરાઉન્ડર હોવાના કારણે હાર્દિકને ટી20 વર્લ્ડ કપમાં ટીમનો ઉપસુકાની બનાવવામાં આવ્યો છે.
રોહિત પાસે પણ પોતાને શોર્ટેસ્ટ ફેર્મેટમાં સાબિત કરવા માટેની છેલ્લી તક રહેશે. રોહિત ભલે ભારતીય ટીમનો સુકાની હોય પરંતુ તે હાર્દિકની કેપ્ટનશિપ હેઠળ મુંબઇ ઇન્ડિયન્સ માટે રમી રહ્યો છે જે વર્તમાન લીગના પ્લે ઓફ્ રેસમાંથી બહાર થઇ ગઇ છે. વય ફ્ેક્ટર પણ રોહિતની નિવૃત્તિનું બીજું મુખ્ય કારણ છે. રોહિત 37 વર્ષ પાર કરી ચૂક્યો છે અને હાર્દિક હજુ 30 વર્ષની નજીક છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને હાર્દિકને બીસીસીઆઇ ઓછામાં ઓછી ટી20 ટીમનો સુકાની બનાવવા માગે છે. રોહિત 2022ના નવેમ્બર બાદ ટી20માં રમ્યો નથી. વર્લ્ડ કપ પહેલાં તે માત્ર ત્રણ ટી20 રમ્યો છે જેમાંથી તે બે વખત શૂન્યમાં આઉટ થયો છે. વર્તમાન આઇપીએલમાં પણ તેનું ફેર્મ અને પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.










