- વેસ્ટ ઇન્ડિઝ સામે લોર્ડ્ઝ ખાતે પોતાની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ રમશે
- જેમ્સ એન્ડરસનની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1,120 વિકેટ પૂરી
- એન્ડરસને 10 ઓવરમાં 19 રન આપીને છ વિકેટ સાથે પોતાનો પ્રથમ સ્પેલ પૂરો કર્યો
ઇંગ્લેન્ડના અનુભવી પેસ બોલર જેમ્સ એન્ડરસને માર્ચ મહિનામાં ભારત સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. ચાર મહિના બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફરેલા એન્ડરસને રેડ બોલથી વધુ એક વખત ઘાતક સ્પેલ નાખ્યો હતો.
કાઉન્ટી ચેમ્પિયનશિપમાં એન્ડરસને સાઉથપોર્ટ ખાતે નોટિંગહામ સામે લેન્કેશાયર તરફથી રમીને માત્ર 10 ઓવરમાં જ છ વિકેટ ઝડપી લીધી હતી. 41 વર્ષીય અનુભવી બોલરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1,120 વિકેટ પણ પૂરી કરી હતી.એન્ડરસને નોટિંગહામના સુકાની હસીબ હમીદને 10 રનમાં આઉટ કર્યા બાદ ચાર ઓવર્સમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેન વિલ યંગ, વિકેટકીપર જો ક્લાર્ક, જેક હેન્સ તથા લિંડન જેમ્સને આઉટ કર્યા હતા. તેણે લિયામ પેટરસન વ્હાઇટના સ્વરૂપે પોતાની છઠ્ઠી વિકેટ ઝડપી હતી. એન્ડરસને 10 ઓવરમાં 19 રન આપીને છ વિકેટ સાથે પોતાનો પ્રથમ સ્પેલ પૂરો કર્યો હતો. ઇંગ્લિશ પેસ બોલરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 55મી વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે. એન્ડરસન 10મી જુલાઈએ વેસ્ટ ઇન્ડિઝ સામે લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. ભારત સામેની ધર્મશાલા ટેસ્ટમાં એન્ડરસને પ્રવાસની છેલ્લી વિકેટ ઝડપીને પોતાની ટેસ્ટ વિકેટનો આંકડો 700 સુધી પહોંચાડયો હતો. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ પેસ બોલર પણ બન્યો છે.










