- વર્લ્ડકપ 2023ની લીગ સ્ટેજની મેચ પૂર્ણ થઈ
- 15 નવેમ્બરે પ્રથમ સેમીફાઈનલ મેચ રમાશે
- ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપની ટીમ બનાવી
વર્લ્ડકપ 2023ની તમામ લીગ મેચ પૂર્ણ થઈ છે. આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં રમનારી ટોપ-4 ટીમ પણ નક્કી થઈ ગઈ છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ઉપરાંત સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. જો કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ 2023ની ટીમ માટે 11 ખેલાડીઓના નામ પસંદ કર્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપની ટીમમાં ભારતના 4 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. સાથે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીને બનાવ્યો છે.
વિરાટ કોહલીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં ઓપનર તરીકે ક્વિન્ટન ડી કોક અને ડેવિડ વોર્નરને પસંદ કર્યા છે, જ્યારે ત્રીજા સ્થાન માટે ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રની પસંદગી કરી છે. ભારતીય દિગ્ગજ વિરાટ કોહલીને નંબર-4 બેટ્સમેન તરીકે સ્થાન મળ્યું છે. સાથે જ વિરાટ કોહલીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વિરાટ કોહલી ઉપરાંત મિડલ ઓર્ડરમાં એડન માર્કરામ અને ગ્લેન મેક્સવેલ જેવા બેટ્સમેન છે. સાથે સાઉથ આફ્રિકાના ખેલાડી માર્કો જાનસેન અને ભારતીય દિગ્ગજ રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે.
મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને મળ્યું સ્થાન
ભારતીય ખેલાડીઓ મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને આ ટીમમાં ફાસ્ટ બોલર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના સ્પિનર એડમ ઝમ્પાને સ્પિનર તરીકે સ્થાન મળ્યું છે. આ ઉપરાંત શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મધુશંકાને 12મા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
વર્લ્ડ કપની ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ટીમ-
ક્વિન્ટન ડી કોક, ડેવિડ વોર્નર, રચિન રવિન્દ્ર, વિરાટ કોહલી (કેપ્ટન), એડન માર્કરામ, ગ્લેન મેક્સવેલ, માર્કો જાનસેન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, એડમ ઝમ્પા, જસપ્રીત બુમરાહ, દિલશાન મધુસંકા (રિઝર્વ ખેલાડી)