ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન મેથ્યૂ વેડે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી દીધી છે. તે પાકિસ્તાન સામેની આગામી ટી20 શ્રોણીમાં કોચ તરીકેની ભૂમિકા ભજવશે. વેડે જણાવ્યું હતું કે ટી20 વર્લ્ડ કપ બાદ મારી કારકિર્દી પૂરી થઈ જવાની છે તે હું સારી રીતે જાણતો હતો. 


નિવૃત્તિ અને કોચિંગ અંગે મારે છેલ્લા છ મહિનાથી મારી જ્યોર્જ બેઇલી તથા મેકડોનાલ્ડ સાથે ચર્ચા થઈ રહી હતી. હું કોચિંગની નવી ભૂમિકા માટે ઉત્સાહિત થયો છું.મેથ્યૂ વેડે 2011થી 2024 સુધીમાં ઓસ્ટ્રેલિયા માટે 36 ટેસ્ટ, 97 વન-ડે અને 92 ટી20 મેચો રમી હતી. તેણે યુએઇ ખાતે ઓસ્ટ્રેલિયાને ટી20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. પાકિસ્તાન સામેની સેમિફાઇનલમાં તેણે 17 બોલમાં 41 રન ફટકાર્યા હતા. વેડે ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામેની એશિઝ દરમિયાન 117 રનની બેસ્ટ ઇનિંગ રમી હતી. તેણે જણાવ્યું હતું કે હું હજુ ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ.

  • Follow us on: