- યોજના અમલમાં આવશે તો પ્રત્યેક ટેસ્ટ ક્રિકેટરને ઓછામાં ઓછા 10 હજાર ડોલર મળશે
- વિશેષ ફંડના કારણે ટેસ્ટ ક્રિકેટરોની મિનિમમ ફીમાં વધારો થશે
- આ વિશેષ ફંડ વિદેશના પ્રવાસ માટે ટીમોને મોકલતી વખતે થતા ખર્ચને કવર કરશે
આઇસીસી ટેસ્ટ ક્રિકેટને બચાવવાના ભાગરૂપે ઓછામાં ઓછા 150 લાખ અમેરિકન ડોલરનું ફંડ એકત્ર કરવાની રણનીતિ ઉપર કાર્ય કરી રહી છે જેનાથી ખેલાડીઓની મેચ ફીમાં વધારો થશે અને તેમને માત્ર આકર્ષક ટી20 ફ્રેન્ચાઈઝી લીગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી રોકવામાં આવી શકશે.
રિપોર્ટના અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ પ્રસ્તાવ મૂક્યો છે જેને બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ તથા ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડનું સમર્થન મળ્યું છે. વિશેષ ફંડના કારણે ટેસ્ટ ક્રિકેટરોની મિનિમમ ફીમાં વધારો થશે અને આ વિદેશના પ્રવાસ માટે ટીમોને મોકલતી વખતે થતા ખર્ચને કવર કરશે. આ યોજનાથી વેસ્ટ ઇન્ડિઝ જેવા ક્રિકેટ બોર્ડને મદદથી મળશે જેમના ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટના બદલે વૈશ્વિક ટી20 લીગને વધારે પ્રાથમિકતા આપી રહ્યા છે. આ વિશેષ ફંડની રચના થયા બાદ તમામ ખેલાડીઓને ઓછામાં ઓછા દસ હજાર ડોલર મળશે. આ ઉપરાંત ટેસ્ટ શ્રેણી માટે વિદેશનો પ્રવાસ ખેડવા માટે સંઘર્ષ કરી રહેલા કેટલાક ક્રિકેટ બોર્ડને પણ ફાયદો થશે. ઓસ્ટ્રેલિયન બોર્ડના પ્રમુખ માઇક બેયર્ડે આ પ્રસ્તાવ જાન્યુઆરીમાં મૂક્યો હતો અને તેમની યોજના આગળ વધી રહી હોવાનો તેમને આનંદ થયો છે. તેમણે જણાવ્યું હતું કે અમે પ્રત્યેક અંતરાયને દૂર કરીને ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બનાવવા માટે વિવિધ ક્રિકેટ બોર્ડને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. અમારે ટેસ્ટ ક્રિકેટની વિરાસત તથા તેના ભવ્ય ઇતિહાસને જાળવી રાખવાની જરૂર છે.










