• ટેસ્ટ તથા વન-ડેની ભારતીય ટીમમાં સિનિયર ખેલાડીઓ જળવાઈ રહેશે

  • ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ પાકિસ્તાન જાય તેવો આડકતરો સંકેત
  • ભારતીય ટીમનો આગામી લક્ષ્યાંક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જીતવાનો

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ટેસ્ટ તથા વન-ડે ટીમના આગામી ટાર્ગેટનો ઘટસ્ફોટ કરીને જણાવ્યું હતું કે ગયા વર્ષે પણ રોહિત જ સુકાની હતો અને ચાલુ વર્ષે પણ છે.આપણે 2023ના વન-ડે વર્લ્ડ કપમાં ફાઇનલને બાદ કરતાં તમામ મેચો જીતી હતી પરંતુ એક મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કરીને ટ્રોફી છીનવી લીધી હતા.

અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપને જીતવા માટે ટીમે વધારે મહેનત કરીને ક્ષમતા કરતાં પણ વધારે સારો દેખાવ કર્યો હતો. જય શાહે જણાવ્યું હતું કે ભારતીય ટીમનો આગામી લક્ષ્યાંક ઇંગ્લેન્ડ ખાતે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ તથા 2025માં પાકિસ્તાન ખાતે રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો છે. ભારત તમામ ટાઇટલ જીતે તેવી મારી ઇચ્છા છે. આપણી પાસે અન્ય બોર્ડ કરતાં વધારે મોટી બેન્ચ સ્ટ્રેન્થ છે. વર્તમાન ટીમના માત્ર ત્રણ ખેલાડી ઝિમ્બાબ્વે જઈ રહ્યા છે અને જરૂર પડશે તો અમે ત્રણ ટીમો મેદાનમાં ઉતારી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ. જે રીતે વર્તમાન ટીમ એક યુનિટ તરીકે રમીને આગળ વધી રહી છે તે જોતાં અમારો ટાર્ગેટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ તથા ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો છે. સિનિયર ખેલાડીઓ પણ આ ઇવેન્ટ્સમાં રહેશે.

ટી20 ફોર્મેટ માટેના નવા સુકાનીનો નિર્ણય પસંદગીકારો કરશે

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે ટી20 ફોર્મેટ માટે ભારતીય ટીમના નવા સુકાની અંગેનો નિર્ણય પસંદગીકારો કરશે. નોંધનીય છે કે બાર્બાડોસમાં સાઉથ આફ્રિકાના સાત રનથી હરાવીને ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી અને હવે આ ફોર્મેટમાં ભારત પાસે કોઈ સુકાની રહ્યો નથી.

જય શાહે જણાવ્યું હતું કે બોર્ડના અધિકારીઓ દ્વારા પસંદગીકારો સાથે વાતચીત કર્યા બાદ જ નવા સુકાનીની જાહેરાત કરવામાં આવશે. ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ પોતાના પ્રદર્શનથી પોતાને સાબિત કર્યો છે. આઇપીએલમાં ખરાબ પ્રદર્શન હોવા છતાં પસંદગી સમિતિએ તેની ઉપરનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. હાર્દિકના ફોર્મ અંગે ઘણા પ્રશ્નાર્થ હતા પરંતુ તેણે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોનો વિશ્વાસ યથાર્થ સાબિત કર્યો છે. નવા કોચની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ ઇન્ટ્રિમ કોચ તરીકે ટીમ સાથે ઝિમ્બાબ્વે જશે.

  • Follow us on: