- અમ્પાયર મુરલીધરનની બોલિંગ એકશન પર ઉઠાવ્યા સવાલ
- મુરલીધરનની બોલિંગ એકશનને ICCએ ક્લીનચીટ આપી
- રણતુંગાએ મુરલીધરનની બોલિંગ એકશનને સમર્થન આપ્યું
ક્રિકેટ અને વિવાદ વચ્ચે ગાઢ સંબંધ છે. ક્રિકેટરો એકબીજા સાથે લડતા કે સ્લેજિંગ કરતા જોવા મળ્યા છે. પરંતુ આવા બહુ ઓછા વિવાદો થયા છે જ્યારે અમ્પાયરના નિર્ણયથી કેપ્ટન એટલો ગુસ્સે થયો હતો કે તે તેની આખી ટીમ સાથે મેદાનની બહાર નીકળી ગયો હતો અને મેચ રદ કરવા સુધી વાત પહોંચી ગઈ હતી. આજે અમે તમને એવા જ એક વિવાદ વિશે જણાવીશું જેણે સમગ્ર ક્રિકેટ જગતને હચમચાવી નાખ્યું હતું.
અર્જુન રણતુંગાની અમ્પાયર વચ્ચે ટક્કર
વર્ષ 1999માં શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી, ટેસ્ટ સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ત્રીકોણીય સીરિઝ રમાઈ રહી હતી. એડિલેડ ઓવલ પર ઈંગ્લેન્ડની ટીમ બેટિંગ કરી રહી હતી અને 15 ઓવર પૂરી થયા બાદ શ્રીલંકાના કેપ્ટન અર્જુન રણતુંગાએ મુરલીધરનને બોલિંગ આપી હતી. મુરલીધરને શાનદાર બોલિંગ કરી, પરંતુ 18મી ઓવરમાં જ્યારે મુરલી ફરીથી બોલિંગ કરવા આવ્યો ત્યારે તેના પાંચમા બોલને નો બોલ જાહેર કરવામાં આવ્યો. અમ્પાયર રોસ ઇમર્સને કહ્યું કે તે ગેરકાયદેસર એક્શન સાથે બોલિંગ કરી રહ્યો હતો. અમ્પાયરના આ નિર્ણયથી રણતુંગા નારાજ થઈ ગયો હતો. તેણે તેની આખી ટીમને પીચની નજીક બોલાવી અને અમ્પાયરોની સામે પોતાનો પક્ષ રજૂ કરવાનું શરૂ કર્યું. રણતુંગાએ કહ્યું કે મુરલીધરનની એક્શન પરફેક્ટ છે અને તેને ICC તરફથી ક્લીનચીટ મળી ગઈ છે.
મુરલીધરનની બોલિંગ એકશનને ક્લીનચીટ
5 જાન્યુઆરી, 1996ના રોજ અમ્પાયર રોસ ઇમર્સને મુરલીધરનની એક્શનને ગેરકાયદેસર ગણાવી હતી અને નો બોલનો નિર્ણય આપ્યો હતો. આ તેની પ્રથમ મેચ હતી અને તેણે મુરલીધરનની પહેલી જ ઓવરમાં 3 બોલને નો બોલ તરીકે જાહેર કર્યા હતા. આ ઘટનાના 10 દિવસ પહેલા મેલબોર્ન ટેસ્ટ દરમિયાન ડેરેલ હેરે મુરલીધરનની એક્શન પર સવાલ ઉઠાવ્યા હતા અને મુરલીધરનને નો બોલ આપ્યો હતો. આ પછી, મુરલીધરને 1996 વર્લ્ડકપ પહેલા હોંગકોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં તેની બોલિંગ એક્શનનું પરીક્ષણ કરાવ્યું, જેમાં તેને ક્લીનચીટ મળી. હવે, ત્રણ વર્ષ પછી, જ્યારે અમ્પાયર રોસ ઇમર્સને ફરી એકવાર મુરલીધરનના એક્શન પર સવાલ ઉઠાવ્યા તો અર્જુન રણતુંગા ગુસ્સે થઈ ગયો અને તે પોતાની આખી ટીમ સાથે મેદાનની બહાર નિકળી ગયો હતો.
રણતુંગાએ મેદાન વચ્ચે 'બળવો' કર્યો
અર્જુન રણતુંગાએ મેદાનની વચ્ચે જ બળવો કર્યો હતો, તે અમ્પાયરના નિર્ણયને સ્વીકારવા બિલકુલ તૈયાર નહોતો. મુરલીધરનની એકશનને ICC દ્વારા માન્યતા આપવામાં આવી હતી, તેથી તેણે તેના યુવા બોલરને સમર્થન આપવાનું નક્કી કર્યું, જે દરેક જવાબદાર કેપ્ટન કરશે. રણતુંગા મેચ છોડવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો પરંતુ આ પછી મેચ રેફરી તેની સાથે વાત કરવા આવ્યા હતા. જ્યારે બોર્ડના અધિકારીએ રણતુંગા સાથે વાત કરી તો તેમના નિર્દેશ પર શ્રીલંકાની ટીમ રમવા પરત આવી હતી.
રણતુંગા એક મેચ માટે સસ્પેન્ડ
એડિલેડ ઓવલ ખાતે રમાયેલી તે મેચમાં શ્રીલંકાએ ઈંગ્લેન્ડ સામે એક વિકેટે રોમાંચક વિજય નોંધાવ્યો હતો. શ્રીલંકાએ 303 રનનો વિશાળ લક્ષ્યાંક 2 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. જયસૂર્યાએ માત્ર 36 બોલમાં 51 રન, જયવર્દને 111 બોલમાં 120 રન બનાવ્યા હતા. અંતે, મુરલીધરન અને વિક્રમસિંઘેની જોડીએ શ્રીલંકાને જીત તરફ દોરી. શ્રીલંકા જીતી ગયું પરંતુ અર્જુન રણતુંગાને અમ્પાયરો સાથેના વર્તન બદલ એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બોલિંગ એકશનની તપાસ માટે મુરલીધરનને ફરી એકવાર પર્થ મોકલવામાં આવ્યો હતો. ત્યાં પણ તેની એકશન કાયદેસર હોવાનું જણાયું હતું. ICCએ મુરલીધરનને તેની બોલિંગલ એકશન સુધારવાની સલાહ પણ આપી ન હતી. આ ટેસ્ટ પછી સાબિત થયું કે કેપ્ટન અર્જુન રણતુંગાએ મુરલીધરન સાથે ઉભા રહીને કંઈ ખોટું કર્યું નથી.