- સ્મિથે સંગાકારાનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો
- ટેસ્ટ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ 8,000 રન પૂરા કર્યા
- ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 351નો ટાર્ગેટ આપ્યો
ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન સ્ટિવ સ્મિથે પાકિસ્તાન સામે રમાતી ત્રીજી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે ગુરુવારે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ 8,000 રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો છે. તેણે લાહોર ટેસ્ટમાં શ્રાીલંકાના દિગ્ગજ સુકાની કુમાર સંગાકારાનો 12 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કર્યો હતો.

સ્મિથના ફાસ્ટેસ્ટ 8,000 રન
32 વર્ષીય સ્મિથે 151મી ટેસ્ટ ઇનિંગમાં (85 ટેસ્ટ) આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. સંગાકારાએ 152 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ યાદીમાં ભારતીય દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર (154 ઇનિંગ્સ), ગેરી રોબર્સ (157) અને રાહુલ દ્રવિડ (158) ટોપ-5માં છે. સ્મિથનું લાહોર ટેસ્ટમાં પ્રદર્શન સામાન્ય રહ્યું હતું અને તેણે મેચમાં માત્ર એક અડધી સદી ફટકારી હતી. તેણે પ્રથમ દાવમાં 169 બોલમાં 59 તથા બીજા દાવમાં 27 બોલમાં માત્ર 17 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસની રમત દરમિયાન ત્રણ વિકેટે 227 રન બનાવીને પોતાનો બીજો દાવ ડિક્લેર કર્યો હતો અને પાકિસ્તાન સામે વિજય માટે કુલ 351 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જેની સામે પાકિસ્તાને સ્ટમ્પના સમયે વિના વિકેટે 73 રન બનાવી લીધા હતા અને તેને છેલ્લા દિવસે વિજય મેળવવા વધુ 278 રનની જરૂર છે. સ્મિથે 85 ટેસ્ટ મેચની 151 ઇનિંગ્સમાં 59.77ની સરેરાશથી 8,010 રન બનાવ્યા છે.