ACC અંડર-19 એશિયા કપ 2025ની ફાઈનલ મેચ દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ પર રમાઈ હતી. ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમનો સામનો પાકિસ્તાન સામે થયો હતો. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેનો ફાયદો ઉઠાવતા પાકિસ્તાન અંડર-19 ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 347 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા આ ટાર્ગેટનો પીછો કરી શકી નહીં અને 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે પાકિસ્તાન એશિયન ચેમ્પિયન બન્યું.

પાકિસ્તાને પહાડ જેવો સ્કોર બનાવ્યો 

ટોસ હારીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાન તરફથી હમઝા ઝહૂરે 18 રન બનાવ્યા. ઓપનર સમીર મિન્હાસે 113 બોલમાં 172 રન બનાવ્યા, જેમાં 17 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. ઉસ્માન ખાને 35 રન બનાવ્યા, જ્યારે અહેમદ હુસૈને મહત્વપૂર્ણ 56 રન બનાવ્યા.

આ પછી પાકિસ્તાનના અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા, છતાં તેમની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 347 રન બનાવ્યા. ભારત અંડર-19 ટીમ તરફથી દીપેશ દેવેન્દ્રને 3 વિકેટ લીધી, જ્યારે હેનિલ પટેલ અને ખિલાન પટેલે 2-2 વિકેટ લીધી.

ભારતનું એશિયન ચેમ્પિયન બનવાનું સ્વપ્ન થયું ચકનાચૂર

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતની અંડર-19 ટીમના બેટ્સમેનોએ ખરાબ પ્રદર્શન કર્યું. વૈભવ સૂર્યવંશી 26 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન આયુષ મ્હાત્રે માત્ર 2 રન બનાવી શક્યો. એરોન જ્યોર્જે 16 રન બનાવ્યા. વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી અને અભિજ્ઞાન કુંડુ પણ નિષ્ફળ રહ્યા, જેના કારણે ભારત માત્ર 156 રનમાં ઓલઆઉટ થયું અને 191 રનથી હારી ગયું. 

પાકિસ્તાન તરફથી અલી રાજાએ 4 વિકેટ લીધી, જ્યારે મોહમ્મદ સૈયમ અને હુઝૈફા એહસાને 2-2 વિકેટ લીધી. અબ્દુલ સુભાને પણ 2 વિકેટ લીધી. આ સાથે પાકિસ્તાન અંડર-19 સ્તરે એશિયન ચેમ્પિયન બન્યું. 

ભારતે લીગ સ્ટેજમાં પાકિસ્તાનને હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ ફાઈનલ પહેલાની બધી જ મેચોમાં સારું પ્રદર્શન કર્યું હતું. ભારતે લીગ સ્ટેજમાં આ જ પાકિસ્તાની ટીમને 90 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું, પરંતુ ફાઈનલનું દબાણ યુવા ખેલાડીઓ પર ભારે પડ્યું, જેના કારણે તેમની હાર થઈ. આ હાર સાથે આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો વિજય ક્રમ અટકી ગયો છે.

આ પણ વાંચો: IND Vs PAK: કોણ છે સમીર મિન્હાસ? ભારત સામે રમી 172 રનની ધમાકેદાર ઈનિંગ