એશિયા કપ 2025 ની વચ્ચે ટીમ ઈન્ડિયાને એક નવો જર્સી સ્પોન્સર મળ્યો છે. ડ્રીમ 11ના ગયા પછી એપોલો ટાયર્સ હવે ટીમ ઈન્ડિયાના નવા જર્સી સ્પોન્સર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કંપની 2027 સુધી ટીમ ઈન્ડિયાની જર્સી સ્પોન્સર રહેશે.


એપોલો ટાયર્સ ત્રણ વર્ષ માટે BCCIને 579 કરોડ રૂપિયા આપશે. થોડા સમય પહેલા ભારત સરકારે સટ્ટાબાજી સંબંધિત એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે પછી BCCI એ ડ્રીમ 11 સાથેનો પોતાની ડીલ સમાપ્ત કરી અને ત્યારથી બોર્ડ નવા સ્પોન્સરની શોધમાં હતું.

એપોલો ટાયર્સ દરેક મેચ માટે 4.5 કરોડ રૂપિયા આપશે

એપોલો ટાયર્સ દરેક મેચ માટે BCCI ને 4.5 કરોડ રૂપિયા આપશે. આ પહેલા ડ્રીમ 11 BCCI ને 4 કરોડ રૂપિયા આપતું હતું. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ એશિયા કપ 2025 માં કોઈપણ સ્પોન્સર વિના રમી રહી છે. ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI સિરીઝમાં પણ કોઈપણ સ્પોન્સર વિના રમી રહી છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આગામી મહિલા વર્લ્ડકપ માટે મહિલા ટીમ તેમની જર્સી પર નવા સ્પોન્સરનું નામ લખશે કે નહીં.


BCCIએ 2 સપ્ટેમ્બરના રોજ જાહેર કર્યા નવા નિયમો

તમને જણાવી દઈએ કે 2 સપ્ટેમ્બરના રોજ BCCI એ જર્સી સ્પોન્સર માટે બોલી લગાવવાના નિયમો જાહેર કર્યા હતા. આ નિયમ મુજબ ગેમિંગ, સટ્ટાબાજી, ક્રિપ્ટો અને તમાકુ કંપનીઓ બોલી લગાવી શકતી ન હતી. આ સિવાય આ લિસ્ટમાં કેટલીક અન્ય કંપનીઓના નામ પણ સામેલ હતા.

ડ્રીમ 11 બીસીસીઆઈનું સ્પોન્સર હતું

જુલાઈ 2023 માં ડ્રીમ11 એ BCCI સાથે 358 કરોડ રૂપિયાની મોટી ડીલ કરી હતી. આ અંતર્ગત ડ્રીમ11 એ ભારતીય મહિલા ટીમ, ભારતીય પુરુષ ટીમ, ભારત અંડર-19 ટીમ અને ભારત-A ટીમના કિટ્સ માટે સ્પોન્સર રાઈટ્સ મેળવ્યા. ત્યારબાદ ડ્રીમ11 એ બાયજુનું સ્થાન લીધું. કોન્ટ્રાક્ટ તોડવા છતાં ડ્રીમ11 BCCI ને કોઈ દંડ ચૂકવશે નહીં. કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જો ભારત સરકારનો નવો કાયદો કંપનીના મુખ્ય વ્યવસાયને અસર કરે છે, તો કંપની બોર્ડને કોઈ દંડ ચૂકવશે નહીં. ડ્રીમ11 ની બ્રાન્ડ વેલ્યુ આજે લગભગ 8 બિલિયન ડોલર છે. ડ્રીમ11 એ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ મોટું રોકાણ કર્યું હતું. વર્ષ 2020 માં ડ્રીમ11 એ IPL ટ્રોફીને પણ સ્પોન્સર કરી હતી.


  • Follow us on: