એશિયા કપ 2025 ની ફાઈનલ ક્રિકેટ ફેન્સ માટે એક ઐતિહાસિક ક્ષણ હશે, કારણ કે ભારત અને પાકિસ્તાન પહેલીવાર ટુર્નામેન્ટના ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે. આ મહત્વપૂર્ણ મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાકિસ્તાન સામેની ફાઈનલમાં રમી રહ્યો નથી.
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ હાઈ-વોલ્ટેજ મેચ ટૂંક સમયમાં શરૂ થવાની છે. પરંતુ આ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેના એક સ્ટાર ખેલાડીને પાછલી મેચમાં થયેલી ઈજાને કારણે ફાઈનલમાંથી બહાર કરવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યા થયો બહાર
T20 એશિયા કપ 2025નો ભવ્ય મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહ્યો છે. ફાઈનલ મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચ માટે ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યા ઈજાને કારણે રમી રહ્યો નથી. તે શ્રીલંકા સામેની મેચમાં રમ્યો ન હતો. તેના સ્થાને રિંકુ સિંહને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી છે. શિવમ દુબે અને જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે.
જસપ્રીત બુમરાહ ટીમમાં ફર્યો પરત
ફાઈનલ માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. જસપ્રીત બુમરાહ અને શિવમ દુબે પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યા છે. બંને ખેલાડીઓને શ્રીલંકા સામે તક મળી ન હતી. અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને બહાર કરવામાં આવ્યા છે. પ્લેઈંગ ઈલેવનમાં અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ જેવા અનુભવી સ્પિનરોનો સમાવેશ થાય છે, જેમની 12 ઓવર મેચનો માર્ગ નક્કી કરશે.
ભારતીય ટીમનું પલડું ભારે
ભારતીય ક્રિકેટ ટીમે 8 વખત એશિયા કપ જીત્યો છે, જ્યારે પાકિસ્તાની ટીમે ફક્ત 2 વાર જ ખિતાબ જીત્યો છે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે કુલ 15 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાંથી ભારતીય ટીમે 12 જીતી છે. પાકિસ્તાન ફક્ત 3માં જીત્યું છે. આમ પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે.
ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી.