એશિયા કપ 2025ની ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવાર 28 સપ્ટેમ્બરના રોજ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ નવમી વખત એશિયા કપ જીતવાનું લક્ષ્ય રાખી રહી છે. પાકિસ્તાનના ફોર્મને જોતાં ભારતને ટાઈટલ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ.


મલ્ટી નેશન ઈવેન્ટ્સમાં સામાન્ય રીતે બંને ટીમો દ્વારા ફાઈનલ મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવે છે. બંને ટીમોના કેપ્ટન ટ્રોફી સાથે ફોટોશૂટ પણ કરાવે છે. પરંતુ વર્તમાન ભારત-પાકિસ્તાન સંબંધોને જોતાં ટ્રોફી સાથે કોઈ ફોટોશૂટ થયું નથી. ભારતીય ટીમે ફાઈનલ માટે ખાસ રણનીતિ અપનાવી છે.

ભારતીય ટીમ મેચ પહેલા કરશે નહીં પ્રેસ કોન્ફરન્સ

ભારતીય ટીમે ટાઈટલ મેચના આગલા દિવસે 27 સપ્ટેમ્બરે પ્રેક્ટિસ કરી ન હતી. તેનું મુખ્ય કારણ ખેલાડીઓનો થાક અને શ્રીલંકા સામેની મેચ હતી, જે સુપર ઓવરમાં ગઈ હતી. ટીમ મેનેજમેન્ટે ફાઈનલ પહેલા ખેલાડીઓને ફ્રેશ રાખવા માટે આ નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરશે નહીં.

ભારતીય ખેલાડીઓ માનસિક રીતે તૈયારી કરી શકશે

ભારતીય ખેલાડીઓ હોટેલમાં આરામ અને વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ પગલાનો હેતુ ખેલાડીઓને માનસિક રીતે તૈયાર અને ફ્રેશ રાખવાનો છે, જેથી ફાઈનલમાં તેમનું ધ્યાન અને પ્રદર્શન ઉચ્ચ લેવલે રહે. શ્રીલંકા સામેની સુપર 4 મેચ પછી ભારતીય ખેલાડીઓ માટે આરામ જરૂરી હતો.

પાકિસ્તાની ટીમની પ્રેસ કોન્ફરન્સ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે યોજાશે. પાકિસ્તાની ટીમે 25 સપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશ સામે છેલ્લી મેચ રમી હતી. તેથી ખેલાડીઓને પૂરતો આરામ મળ્યો છે. તેઓ નેટ પ્રેક્ટિસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને અગાઉની મેચોમાં થયેલી ભૂલોમાંથી શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એશિયા કપ 2025 માટેની બંને દેશની ટીમો

ટીમ ઈન્ડિયા: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.

પાકિસ્તાનઃ સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમાન, હરિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન આફ્રિદી, સુફિયન મોકિમ.


  • Follow us on: