એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાએ ઓમાન સામે શાનદાર પ્રદર્શન કર્યું અને જીતની હેટ્રિક હાંસલ કરી. લીગ સ્ટેજમાં રમાયેલી ત્રણ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું, બધી જ મેચ જીતી. 14 સપ્ટેમ્બરના રોજ ભારત પાકિસ્તાન સામે રમ્યું અને જીત્યું. આ મેચમાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યા ન હતા.
ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમનેસામને છે. પરંતુ શું આ મેચમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવે છે? સૂર્યકુમાર યાદવે આ સવાલનો જવાબ આપ્યો છે.
સૂર્યકુમાર યાદવે આપ્યો જવાબ
હાથ મિલાવવાના વિવાદ પર સૂર્યકુમાર યાદવે કહ્યું કે "તમે બીજી શું વાત કરી રહ્યા છો? (હસે છે). શું તમે બોલ સાથે અમારા પ્રદર્શન વિશે વાત કરી રહ્યા છો? (હસે છે) બેટ અને બોલ વચ્ચે સારી સ્પર્ધા છે. સ્ટેડિયમ ભરેલું છે. બેસ્ટ વસ્તુ એ છે કે તમારું બેસ્ટ પ્રદર્શન કરો અને તમારા દેશ માટે બેસ્ટ આપો."
સૂર્યકુમાર યાદવે વધુમાં જણાવ્યું હતું કે તેમની ટીમ પાકિસ્તાન સામે રમવા માટે વધુ દબાણ હેઠળ નથી, કારણ કે તેઓ પ્રોસેસ પર નજર રાખવા અને જરૂરી કામ પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમને એમ પણ કહ્યું કે તેમના ખેલાડીઓને તેમનો સંદેશ છે કે બહારના અવાજથી દૂર રહો અને તેમની રમત પર ધ્યાન કેન્દ્રિત કરો.
ભારતીય ટીમને કરવામાં આવશે ઈગ્નોર
પાકિસ્તાન સામે ટોસ દરમિયાન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાની ના પાડી હતી. મેચ પછી આખી ટીમે પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાની ના પાડી હતી. PCBએ આને લઈને ICCને ફરિયાદ નોંધાવી હતી અને મેચ રેફરી એન્ડી પ્રાયક્રોફ્ટને એશિયા કપમાંથી દૂર કરવાની માગ કરી હતી. પરંતુ ICCએ PCBની વિનંતીને નકારી કાઢી હતી. ભારત અને પાકિસ્તાન 22 સપ્ટેમ્બરે ફરી એકબીજા સામે ટકરાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.