ટીમ ઈન્ડિયાએ પણ એશિયા કપમાં પોતાના અભિયાનની શરુઆત કરી છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને UAE વચ્ચેની મેચ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સૌની નજર પહેલી મેચમાં કઈ પ્લેઈંગ ઈલેવન સાથે કેપ્ટન સૂર્યકુમાર યાદવ રમશે તેના પર હતી.
આ ટુર્નામેન્ટ માટે BCCI પસંદગી સમિતિ દ્વારા પસંદ કરાયેલા 15 ખેલાડીઓમાંથી કોઈ એકને પણ બાકાત રાખવું જોઈએ નહીં. આ પરિસ્થિતિમાં પ્લેઈંગ ઈલેવનની પસંદગી સૂર્યા માટે ખરેખર માથાનો દુખાવો બની હશે. ટોસ પછી જ્યારે તેને ભારતના પ્લેઈંગ ઈલેવન વિશે જણાવ્યું, ત્યારે બધા ચોંકી ગયા.
સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી
T20 એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરના રોજ શરૂ થયો હતો, પહેલા દિવસે અફઘાનિસ્તાન અને હોંગકોંગની ટીમો આમને-સામને હતી. આમાં અફઘાનિસ્તાને હોંગકોંગને મોટા અંતરથી હરાવ્યું. આ પછી ભારતીય ટીમની મેચની રાહ જોવાઈ રહી હતી. જે હવે શરૂ થઈ ગઈ છે. ટોસ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન સૂર્યાએ કહ્યું કે અહીંની વિકેટ સારી અને ફ્રેશ દેખાય છે. થોડો ભેજ જોવા મળી રહ્યો છે, પરંતુ ઝાકળ પાછળથી પડી શકે છે. તેમને કહ્યું કે જો અમને તક મળે તો અમે કંઈ પણ કરવા તૈયાર છીએ, પરંતુ આજે અમે બોલિંગ કરવા માગીએ છીએ.
UAE ના કેપ્ટન મુહમ્મદ વસીમે શું કહ્યું?
UAE ના કેપ્ટન મોહમ્મદ વસીમે કહ્યું કે તેઓ બોલિંગ કરવાનું પણ વિચારી રહ્યા છે. પિચ ફ્રેશ છે અને કદાચ શરૂઆતમાં બોલ થોડો આગળ વધશે. છેલ્લી સિરીઝ ખૂબ સારી હતી, અમે તે સિરીઝ દરમિયાન ઘણી સકારાત્મક બાબતો શીખ્યા અને અમે તે સિરીઝમાંથી આત્મવિશ્વાસથી ભરપૂર છીએ. અમે સ્પિનરો, ઝડપી બોલરો, જુનિયર અને સિનિયર ખેલાડીઓનું સારા કોમ્બિનેશન સાથે રમીશું.
રિંકુ સિંહને ન મળી તક
પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો કેપ્ટન સૂર્યાએ અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને તક આપી નથી. ટીમ ફક્ત એક જ ફાસ્ટ બોલર સાથે રમી રહી છે. જસપ્રીત બુમરાહ પછી બીજો પેસર હાર્દિક પંડ્યા છે. ટીમે સ્પિનરોની લાંબી સેના ઉતારી છે. અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી જવાબદારી સંભાળશે. જો જરૂર પડે તો, શિવમ દુબેને પણ બોલિંગ કરાવી શકાય છે. કદાચ એટલા માટે જ રિંકુ સિંહને પણ તક આપવામાં આવી નથી.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી
યુએઈની પ્લેઈંગ ઈલેવન
મુહમ્મદ વસીમ (કેપ્ટન), આલીશાન શરાફૂ, મુહમ્મદ જોહૈબ, રાહુલ ચોપરા, આસિફ ખાન, હર્ષિત કૌશિક, હૈદર અલી, ધ્રુવ પારાશર, મુહમ્મદ રોહીદ ખાન, જુનેદ સિદ્દીકી, સિમરનજીત સિંહ.