એશિયા કપ 2025ની અંતિમ ગ્રુપ B લીગ સ્ટેજ મેચ 18 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ નબી સ્ટાર પર્ફોર્મર રહ્યો.


40 વર્ષના બેટ્સમેને શ્રીલંકા સામે 22 બોલમાં 60 રન બનાવ્યા. પોતાની ઈનિંગ દરમિયાન નબીએ 1 ઓવરમાં સતત 5 બોલમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા.

મોહમ્મદ નબીએ છેલ્લી ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા

મોહમ્મદ નબીની વાત કરીએ તો તેને છેલ્લી ઓવરમાં 5 છગ્ગાની મદદથી કુલ 32 રન બનાવ્યા. આ ઓવર શ્રીલંકા માટે દુનિથ વેલાલેજે ફેંકી હતી. નબીએ આ ઓવરના પહેલા 3 બોલ પર સતત 3 છગ્ગા ફટકાર્યા. આ પછી ચોથો બોલ નો બોલ હતો. તે પછી મોહમ્મદ નબીએ આગામી 2 બોલ પર પણ 2 છગ્ગા ફટકાર્યા.


નબી પાસે છેલ્લા બોલ પર છગ્ગા ફટકારીને ઈતિહાસ રચવાની તક હતી પરંતુ તે તેમ કરી શક્યો નહીં. છેલ્લા બોલ પર તે 1 રન માટે દોડ્યો અને બીજો રન લેવાનો પ્રયાસ કરતી વખતે તે રન આઉટ થઈ ગયો. આ રીતે તેને આ એક ઓવરમાં કુલ 32 રન બનાવ્યા.

આ મામલે મોહમ્મદ નબીએ અઝમતુલ્લાહ ઓમરઝાઈની કરી બરાબરી

આ મેચમાં મોહમ્મદ નબીએ 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે અફઘાનિસ્તાન માટે T20 ઈન્ટરનેશનલ મેચોમાં અડધી સદી ફટકારનાર સંયુક્ત રીતે સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. તેને આ રેકોર્ડમાં અઝમતુલ્લાહ ઓમરઝાઈની બરાબરી કરી. ઓમરઝાઈએ ​​હોંગકોંગ સામેની આ જ એશિયા કપ મેચમાં 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ પહેલા મોહમ્મદ નબીએ 2017માં આયર્લેન્ડ સામેની મેચમાં 21 બોલમાં અડધી સદી ફટકારી હતી.

અફઘાનિસ્તાને શ્રીલંકાને 170 રનનો આપ્યો ટાર્ગેટ

આ મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાનના ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ નિરાશ કર્યા. ગુરબાઝે 8 બોલમાં 14 રન બનાવ્યા. સિદ્દિકુલ્લાહ અટલે 14 બોલમાં 18 રન બનાવ્યા. ઈબ્રાહિમ ઝાદરાને 27 બોલમાં 24 રનની ધીમી ઈનિંગ રમી. એક સમયે એવું લાગતું હતું કે અફઘાનિસ્તાન આ મેચમાં 150 રન પણ બનાવી શકશે નહીં. પરંતુ મોહમ્મદ નબીના વિસ્ફોટક 60 રનના કારણે, ટીમ આખરે શ્રીલંકા માટે 170 રનનો ટાર્ગેટ રાખવામાં સફળ રહી.

  • Follow us on: