એશિયા કપ 2025ની 7મી મેચમાં UAEએ ઓમાનને 42 રનથી હરાવ્યું છે. UAEની આ જીતથી ટીમ ઈન્ડિયાને ફાયદો થયો છે. સૂર્યાની સેનાને સુપર 4ની ટિકિટ મળી ગઈ છે, જ્યારે ઓમાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. UAEએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 172 રન બનાવ્યા હતા.
તેના જવાબમાં આખી ઓમાનની ટીમ માત્ર 130 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ભારતીય ટીમે તેની પહેલી બે મેચ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ UAEમાં પહેલી મેચમાં અને પછી દુબઈના મેદાન પર પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું.
ટીમ ઈન્ડિયાને સુપર 4ની મળી ટિકિટ
UAEએ એકતરફી મેચમાં ઓમાનને 42 રનથી હરાવ્યું અને ટીમ ઈન્ડિયાને સુપર 4માં ટિકિટ અપાવી. પહેલા બેટિંગ કરતા UAEએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 172 રન બનાવ્યા. ટીમ તરફથી કેપ્ટન મુહમ્મદ વસીમે સારી બેટિંગ કરી અને તેણે 54 બોલમાં 69 રનની ઝડપી ઈનિંગ રમી. આ ઈનિંગ દરમિયાન તેને 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.
અલીસાન શરાફુએ પણ શાનદાર બેટિંગ કરી અને 38 બોલમાં 51 રનની જોરદાર ઈનિંગ રમી. જવાબમાં આખી ઓમાન ટીમ ફક્ત 130 રન બનાવીને પડી ભાંગી. ટીમના ઘણા બેટ્સમેનોને સારી શરૂઆત મળી, પરંતુ તેઓ તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ ગયા. બોલિંગમાં, જુનૈદ સિદ્દીકીએ યુએઈ માટે વિનાશ વેર્યો અને માત્ર 23 રન આપીને 4 વિકેટ લીધી, જ્યારે હૈદર અલીએ 2 વિકેટ લીધી.
પાકિસ્તાન મુકાયું મુશ્કેલીમાં
જો પાકિસ્તાન હવે સુપર 4માં ટિકિટ મેળવવા માગે છે તો તેને કોઈપણ કિંમતે UAEને હરાવવું પડશે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાન અને UAE વચ્ચેની મેચ હવે કરો યા મરો જેવી બની ગઈ છે. 14 સપ્ટેમ્બરના રોજ ટીમ ઈન્ડિયા સામે પાકિસ્તાનને 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
પ્રથમ મેચમાં ટીમે ઓમાનને હરાવ્યું હતું. બીજી તરફ UAEએ ટીમ ઈન્ડિયા સામે હાર્યા બાદ હવે ઓમાન સામે જીત નોંધાવી છે. કાગળ પર સલમાન આગાની સેના ખૂબ જ મજબૂત લાગે છે, પરંતુ UAE પાસે તેની ધરતી પર મોટી રમત રમવાની ક્ષમતા છે.