ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમો વચ્ચે 3 મેચની T20 સિરીઝનો બીજી મેચ કેનબેરાના મનુકા ઓવલ સ્ટેડિયમમાં રમાઈ હતી. યજમાન ઓસ્ટ્રેલિયાએ આ મેચ 19 રનથી જીતીને સિરીઝ 1-1 થી બરાબર કરી હતી.
આ મેચમાં ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં તેમના પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે તેમના પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.
ઓસ્ટ્રેલિયાની શાનદાર શરૂઆત
પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં જ્યોર્જિયા વોલે શાનદાર 88 રન બનાવ્યા હતા, જ્યારે બેથ મૂનીએ પણ 46 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં ભારતીય મહિલા ટીમના બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો, અરુંધતી રેડ્ડીએ 4 ઓવરમાં 30 રન આપ્યા હતા અને 2 વિકેટ લીધી હતી. આ સિવાય રેણુકા ઠાકુર પણ 1 વિકેટ લેવામાં સફળ રહી હતી.
ટીમ ઈન્ડિયાનું નિરાશાજનક પ્રદર્શન
ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ શાનદાર શરૂઆત કરી, પહેલી વિકેટ માટે 57 રનની પાર્ટનરશીપ કરી. શેફાલી 29 રન બનાવીને પેવેલિયન પરત ફરી. ત્યારબાદ ભારતે જેમીમા રોડ્રિગ્સ અને સ્મૃતિ મંધાનાની વિકેટ ઝડપથી ગુમાવી દીધી. 71 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવ્યા બાદ હરમનપ્રીત કૌર અને રિચા ઘોષે ચોથી વિકેટ માટે 55 રનની પાર્ટનરશીપ કરી, જે એક સમયે ભારતને આરામદાયક વિજય અપાવતી હોય તેવું લાગતું હતું.
હરમનપ્રીત કૌર 36 રન બનાવીને આઉટ થયા પછી વિકેટો પડતી રહી, જેના કારણે ભારત 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવી શક્યું. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ માટે એશ્લે ગાર્ડનરે 3 વિકેટ લીધી, જ્યારે એનાબેલ સધરલેન્ડ, કિમ ગાર્થ અને સોફી મોલિનેક્સે 2-2 વિકેટ લીધી.
આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ