ભારતીય અંડર 19 ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ પ્રવાસની શરૂઆત બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝથી થઈ હતી. સિરીઝની પહેલી યુવા ODI મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને 7 વિકેટથી જીત મેળવી.
આ મેચ ઈયાન હીલી ઓવલમાં રમાઈ હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન ઓછું પ્રભાવશાળી હતું. આ દરમિયાન ઘણા ભારતીય ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું, જેમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે.
ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
બંને ટીમો વચ્ચેની આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય બોલરોએ યજમાન ટીમને 225 રન સુધી મર્યાદિત રાખી. ભારતીય બોલરોએ યોગ્ય લાઈન અને લેન્થ સાથે બોલિંગ કરી, જેના કારણે યજમાન ટીમ માટે મોટા શોટ રમવાનું મુશ્કેલ બન્યું. ઓસ્ટ્રેલિયા તરફથી જોન જેમ્સે સૌથી વધુ 77 રન બનાવ્યા અને અણનમ રહ્યો. ટોમ હોગને 41 રન બનાવ્યા અને સ્ટીવન હોગને 39 રન બનાવ્યા.
ભારત તરફથી હેનિલ પટેલે શાનદાર બોલિંગ કરી. 10 ઓવરમાં 38 રન આપીને 3 વિકેટ લીધી. કિશન કુમારે પણ 2 વિકેટ લઈને પોતાની છાપ છોડી દીધી. કનિષ્ક ચૌહાણે પણ 2 વિકેટ લીધી. આ સિવાય આરએસ એમ્બ્રીસે 1 વિકેટ લીધી.
વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર કરી શરૂઆત
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત આક્રમક રહી. વૈભવ સૂર્યવંશીએ 22 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા. ત્યારબાદ વેદાંત ત્રિવેદીએ 69 બોલનો સામનો કરીને 8 ચોગ્ગાની મદદથી 61 રન બનાવ્યા. અભિજ્ઞાન કુંડુએ 74 બોલમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 87 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાએ 117 બોલ બાકી રહેતા માત્ર 30.3 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો.
અડધી સદી ચૂક્યો વૈભવ સૂર્યવંશી
14 વર્ષના વૈભવે 22 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 38 રનની ઝડપી ઈનિંગ રમી. તેનો સ્ટ્રાઈક રેટ 172.73 હતો. તેને ક્રીઝ પર ફક્ત 24 મિનિટ વિતાવી, પરંતુ તેની વિસ્ફોટક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચી લીધું. પહેલી મેચમાં વૈભવની બેટિંગ ભલે અસરકારક ન રહી હોય, છતાં તેની પાસે હજુ પણ પોતાની પ્રતિભા દર્શાવવાની સારી તક છે. ODI સિરીઝની આગામી બે મેચમાં તેની પાસે મોટો સ્કોર કરવાની સારી તક રહેશે.