બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સિરીઝ ચાલી રહી છે. બીજી ODI ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. પહેલી મેચ હાર્યા બાદ બાંગ્લાદેશે આ મેચ જીતીને શાનદાર વાપસી કરી હતી, પરંતુ ICCએ હવે તેમની સામે કડક કાર્યવાહી કરી છે. બાંગ્લાદેશની ટીમે મેચ દરમિયાન મોટી ભૂલ કરી હતી અને તેના માટે ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.


ICC દ્વારા બાંગ્લાદેશને દંડ

ICC એલિટ પેનલ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે બાંગ્લાદેશને તેમની મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો હતો. મેહદી હસન મિરાઝની ટીમે નિર્ધારિત સમય કરતાં 2 ઓવર ઓછી કરી હતી અને ICC આચારસંહિતા મુજબ જો કોઈ ટીમ લક્ષ્ય કરતાં એક ઓવર ઓછી કરે છે, તો તેમને તેમની મેચ ફીના 5 ટકા દંડ ફટકારવામાં આવે છે. બાંગ્લાદેશ 2 ઓવર પાછળ હતું અને તેમને તેમની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

બાંગ્લાદેશના કેપ્ટન મેહદી હસને પોતાની ભૂલ સ્વીકારી અને દંડ સ્વીકારી લીધો. એક નિવેદન મુજબ તેમને આ મામલે ICC સમક્ષ કોઈ સુનાવણીનો સામનો કરવાની જરૂર રહેશે નહીં. ઓન-ફિલ્ડ અમ્પાયર રિચાર્ડ ઈલિંગવર્થ અને ગાઝી સોહેલ, થર્ડ એમ્પાયર નીતિન મેનન અને ફોર્થ એમ્પાયર મસુદુર રહેમાન મુકુલે આ મામલો મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને સોંપ્યો.

બીજી વનડેમાં બાંગ્લાદેશની મોટી જીત

3 મેચની ODI સિરીઝની પહેલી મેચ ન્યુઝીલેન્ડે જીતી લીધી હતી. ઢાકામાં રમાયેલી બીજી મેચમાં ન્યુઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 198 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. નાહિદ રાણાએ 5 વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડ તરફથી નિક કેલીએ 83 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જવાબમાં બાંગ્લાદેશે 199 રનના ટાર્ગેટનો પીછો 35.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને કર્યો હતો. તન્ઝીદ હસન તમીમે 76 અને નઝમુલ હુસૈન શાંતોએ 50 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: