અંડર-19 એશિયા કપ 2025ની ફાઈનલમાં ભારતને પાકિસ્તાન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાને ભારતીય ટીમને 191 રનથી હરાવી. ટીમ ઈન્ડિયાએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સતત સારું પ્રદર્શન કર્યું, પરંતુ ફાઈનલમાં તેમનું પ્રદર્શન ખરાબ રહ્યું.


BCCI કેપ્ટન આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશી સહિત ટીમના અન્ય સભ્યો સામે કડક કાર્યવાહી કરી શકે છે અને તેમને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ BCCI ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની સમીક્ષા કરવા જઈ રહ્યું છે.

BCCI ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની કરશે સમીક્ષા

મીડિયા રિપોર્ટ મુજબ અંડર-19 વર્લ્ડકપમાં ભારતની કારમી હાર બાદ બીસીસીઆઈ ભારતના પ્રદર્શનની સમીક્ષા કરવાનું વિચારી રહી છે. 22 ડિસેમ્બરે એપેક્સ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી, જેમાં ટુર્નામેન્ટમાં જુનિયર ટીમના પ્રદર્શન અંગે ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ટીમ મેનેજમેન્ટ પાસેથી જવાબ માંગવામાં આવશે. ટીમ મેનેજર સલિલ દાતાર પાસેથી રિપોર્ટ મેળવવામાં આવશે. બીસીસીઆઈ મુખ્ય કોચ ઋષિકેશ કાનિટકર અને કેપ્ટન આયુષ મ્હાત્રે સાથે પણ ચર્ચા કરવાનું આયોજન કરી રહ્યું છે.


આ સમીક્ષા પ્રક્રિયા સામાન્ય કરતાં સંપૂર્ણપણે અલગ છે. ફાઈનલમાં ખેલાડીઓના વર્તન અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે BCCI આ મુદ્દાને ઉકેલશે કે નહીં. અંડર-19 વર્લ્ડકપ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026માં યોજાવાનો છે. તેથી BCCI આ મુદ્દાઓને ઉકેલવાનું વિચારી રહ્યું છે જેથી ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં સારું પ્રદર્શન કરી શકે. ફાઈનલમાં ભારતીય બેટિંગ ઓર્ડર ખૂબ નિરાશાજનક રહ્યો. આને લઈને પણ ચોક્કસપણે ચર્ચા કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયા ફાઈનલમાં કેવી રીતે હારી ગઈ?

ટીમ ઈન્ડિયા અંડર-19 એશિયા કપ 2025ની ફાઈનલમાં એક પણ મેચ હાર્યા વિના પહોંચી હતી. ટીમે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલમાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરીને 347 રન બનાવ્યા હતા. સમીર મિન્હાસે 172 રનની મોટી ઈનિંગ રમી હતી. ભારતીય ટીમ પાસે મજબૂત બેટિંગ ઓર્ડર છે અને એવું લાગતું હતું કે તેઓ ટાર્ગેટનો પીછો કરી શકશે. પરંતુ ભારતીય ટીમ 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને 191 રનથી મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા અંડર-19 વર્લ્ડકપમાં આ ભૂલ કરવા માગશે નહીં.

આ પણ વાંચો: BCCIએ મહિલા ખેલાડીઓને આપી મોટી ગિફ્ટ, ખેલાડીઓની સેલેરીમાં થયો વધારો

  • Follow us on: