ઇંગ્લેન્ડ ક્રિકેટમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક 30 વર્ષીય ખેલાડીએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ ખેલાડીએ વર્ષ 2024માં ઈજાનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેને 2 વખત સર્જરી પણ કરાવવી પડી હતી. જોકે, આ ખેલાડીની વાપસી ખાસ રહી નહીં અને હવે મેડિકલ સલાહ પર તેણે પ્રોફેશનલ ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે, જેણે સૌને હેરાન કરી દીધા છે.
મજબૂરીમાં કરી નિવૃત્તિની જાહેરાત
સરે કાઉન્ટીના ઓલરાઉન્ડર કેમરન સ્ટીલને પગની ઘૂંટીની (Ankle Injury) ગંભીર ઈજાને કારણે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી પડી છે. સ્ટીલને 2024માં ડાબા ટખનામાં ઈજા થઈ હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2025માં તેની 'બ્રોસ્ટ્રોમ રિપેર સર્જરી' કરવામાં આવી હતી. મે 2025માં તે મેદાન પર પરત ફર્યો, પરંતુ આ ઈજાને કારણે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જેના કારણે સપ્ટેમ્બર 2025માં બીજી સર્જરી થઈ અને ત્યારબાદ છ મહિના સુધી રિહેબિલિટેશનની પ્રક્રિયા ચાલી. અંતે મેડિકલ સલાહ પર તેણે પ્રોફેશનલ ક્રિકેટ છોડવાનો નિર્ણય લેવો પડ્યો છે.
કેમરન સ્ટીલે શું કહ્યું?
નિવૃત્તિની જાહેરાત કરતા સ્ટીલે કહ્યું, પ્રોફેશનલ ક્રિકેટ રમવું એ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય રહ્યો છે. છેલ્લા 18 મહિના ખૂબ જ નિરાશાજનક રહ્યા અને મેડિકલ કારણોસર નિવૃત્તિ લેવી મને ખૂબ દુઃખી કરી રહી છે. દરેક મુશ્કેલ સમયમાં મારો સાથ આપવા બદલ મેડિકલ સ્ટાફનો આભાર, અને કોચનો પણ આભાર.
કેમરન સ્ટીલનું શાનદાર કરિયર
કેમરન સ્ટીલે કુલ 132 પ્રોફેશનલ મેચ રમી હતી, જેમાં 66 ફર્સ્ટ-ક્લાસ મેચો સામેલ છે. તેણે મિડલસેક્સ એકેડમીથી શરૂઆત કરી હતી. ડરહમ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કર્યા પછી તે ડરહમ ટીમ સાથે જોડાયો, જ્યાં તેણે નાની ઉંમરે બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ 2021માં તે સરે કાઉન્ટીમાં જોડાયો અને અહીં તેણે પોતાની અસલી ઓળખ બનાવી. સ્ટીલ બેટ્સમેન અને લેગ સ્પિનર તરીકે ટીમ માટે ખૂબ ઉપયોગી સાબિત થયો હતો. તેણે સરે માટે ત્રણ કાઉન્ટી ચેમ્પિયનશિપ ખિતાબ (2022, 2023 અને 2024) જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેણે 66 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 2733 રન બનાવ્યા અને 60 વિકેટ પણ ઝડપી હતી. જ્યારે લિસ્ટ એ (List A) માં તેના નામે 666 રન અને 45 વિકેટ નોંધાયેલી છે. આ ઉપરાંત તેણે 24 ટી20 મેચો પણ રમી હતી, જેમાં તે 165 રન બનાવવામાં અને 12 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચો- 'પપ્પા સુસાઇડ કરી લેત...', Ranbir Kapoorની બહેન આ કારણોસર હીરોઈન ન બની, હવે 45 વર્ષની ઉંમરે કરી રહી છે ડેબ્યૂ!