ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નર ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. આ વખતે મામલો ગંભીર છે અને તેના ક્રિકેટ કરિયર પર તેની અસર પડી શકે છે. દારૂ પીને ગાડી ચલાવવાના આરોપમાં મુકાયેલા ડેવિડ વોર્નર હવે કોર્ટનો સામનો કરશે, જેના કારણે સિડની થંડરની કેપ્ટનશીપ જોખમમાં મુકાઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ મુજબ ડેવિડ વોર્નરની થોડા દિવસો પહેલા સિડનીમાં દારૂ પીને વાહન ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે ઈસ્ટર સન્ડે પર તેના લોહીમાં આલ્કોહોલનું સ્તર 0.104 હતું, જે કાનૂની મર્યાદા કરતા બમણાથી વધુ હતું.
39 વર્ષના ડેવિડ વોર્નરને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. હવે તેને 7 મેના રોજ ડાઉનિંગ સેન્ટર લોકલ કોર્ટમાં હાજર થવાનું છે. આ ઘટનાએ સિડની થંડરના વોર્નરની કેપ્ટનશીપ પર સવાલો ઉભા કર્યા છે. ક્રિકેટ NSW માટે આ પરિસ્થિતિ વધુ સંવેદનશીલ છે, કારણ કે તેની ટ્રાન્સપોર્ટ ફોર NSW સાથે 23 વર્ષ જૂની રોડ સેફ્ટી પાર્ટનરશીપ છે.
અધિકારીએ શું કહ્યું?
ક્રિકેટ NSWના CEO લી જાર્મને આ બાબતનો જવાબ આપતા કહ્યું કે તેઓ ડેવિડ વોર્નરના કથિત નશામાં વાહન ચલાવવાની ઘટના પર વધુ ટિપ્પણી કરી શકતા નથી કારણ કે તેમાં કાનૂની અસરો સામેલ છે. "આ આરોપો ચોક્કસપણે ચિંતાજનક છે, અને અમે તેમને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ. ક્રિકેટ NSWમાં અમે નશામાં વાહન ચલાવવા માટે નહીં, પરંતુ સલામત ડ્રાઈવિંગના મજબૂત હિમાયતી છીએ. અમે અમારા ખેલાડીઓ સાથે આ માટે ભારપૂર્વક હિમાયત કરીએ છીએ અને આ પ્રક્રિયા દરમિયાન ડેવિડને ટેકો આપીશું, એ જાણીને કે કોર્ટ કેસ આવવાનો છે, પરંતુ અમે આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત પર અમારા ખેલાડીઓને વધુ શિક્ષિત કરવાનો પણ પ્રયાસ કરીશું." તેમને એ પણ સ્પષ્ટ કર્યું કે વોર્નરની કેપ્ટનશીપ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને તેના પર વધુ વિચારણા કરવામાં આવશે.
PSLમાં કરાચી કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે ડેવિડ વોર્નર
ડેવિડ વોર્નર હાલમાં PSLમાં કરાચી કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ પહેલા તેને બિગ બેશ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેને 86.6 ની એવરેજથી સ્કોર કર્યો હતો. હાલમાં આ મામલો કાનૂની પ્રક્રિયા હેઠળ છે, અને આગામી દિવસોમાં કોર્ટમાં સુનાવણી પછી જ ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ એ વાત ચોક્કસ છે કે આ વિવાદ ડેવિડ વોર્નરની ઈમેજ અને તેની કેપ્ટનશીપ બંને પર ઊંડી અસર કરી શકે છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો