અંડર-19 વર્લ્ડકપની પહેલી સેમીફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો સામનો ઈંગ્લેન્ડ સામે થયો હતો. આ મેચ બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડે 4 વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 27 રનથી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું.


ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 47.3 ઓવરમાં 250 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ઈંગ્લેન્ડના કેપ્ટન થોમસ રીવ્સને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડ તરફથી થોમસ રીવ્સે સદી ફટકારી

ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી. તેને બેન ડોકિન્સની માત્ર 3 રને પહેલી વિકેટ ગુમાવી દીધી, તે 1 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ બેન મેસે જોસેફ મૂર્સ સાથે બીજી વિકેટ માટે 54 રનની પાર્ટનરશીપ કરી. જોસેફ 33 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો, જેમાં 1 છગ્ગો અને 1 ચોગ્ગો ફટકાર્યો, જ્યારે મેસે 33 બોલમાં 24 રન બનાવ્યા. ઈંગ્લેન્ડે 60ના સ્કોરે 3 વિકેટ ગુમાવી દીધી હતી.

ત્યાંથી કેલેબ ફોકનરે કેપ્ટન થોમસ રિવ્સ સાથે મળીને ચોથી વિકેટ માટે 135 રનની પાર્ટનરશીપ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી. કેપ્ટન થોમસે 107 બોલમાં 110 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યા. ફોકનરે પણ 4 ચોગ્ગા સહિત 40 રન બનાવ્યા. ફરહાન અહેમદ 28 રન બનાવીને અણનમ રહ્યો.

ઓલિવર પીકની વ્યર્થ ગઈ સદી

જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમને ઈંગ્લેન્ડ કરતા સારી શરૂઆત મળી. તેમના ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 32 રન બનાવ્યા. 47 ના સ્કોર પર ટીમને બીજો ઝટકો લાગ્યો. અહીંથી કેપ્ટન ઓલિવર પીકે નિતેશ સેમ્યુઅલ સાથે ત્રીજી વિકેટ માટે 62 રન બનાવીને ટીમને સ્થિર કરી, પરંતુ આ પાર્ટનરશીપ તૂટતાની સાથે જ ઓસ્ટ્રેલિયન ઈનિંગ ફરીથી પડી ભાંગી. કેપ્ટને એક છેડે ઉભા રહીને સદી ફટકારી, પરંતુ તેની 100 રનની ઈનિંગ નિરર્થક ગઈ. ટીમ માટે નિતેશ સેમ્યુઅલે 47 રન બનાવ્યા. આર્યન શર્માએ 23 બોલમાં 34 રનની ઝડપી ઈનિંગ રમી. પરંતુ અંતે ટીમને હારનો સામનો કરવો પડ્યો.

ઓસ્ટ્રેલિયાને આ વર્લ્ડકપમાં પહેલી હારનો સામનો કરવો પડ્યો

આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાનો આ પહેલી હાર છે. આ હાર સાથે તેમની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ દરમિયાન ઈંગ્લેન્ડ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહ્યું છે. તેમની ટીમ એક પણ મેચ હાર્યું નથી. ટીમ ઈન્ડિયા માટે પણ એવું જ છે, જેને એક પણ મેચ હારી નથી. હવે એ જોવું રસપ્રદ રહેશે કે સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ કઈ ટીમનો સામનો કરે છે: ભારત કે અફઘાનિસ્તાન.

આ પણ વાંચો: Team India રમશે વોર્મ-અપ મેચ, જાણો ક્યારે અને ક્યાં સમયે જોઈ શકાશે?



  • Follow us on: