મહિલા ODI વર્લ્ડકપ 2025ની પહેલી સેમીફાઈનલ ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે શાનદાર બેટિંગ કરી, સદી ફટકારી અને 169 રનની ધમાકેદાર ઈનિંગ રમી, જેમાં તેણે 20 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા.
આ ઐતિહાસિક ઈનિંગને કારણે લૌરા વોલ્વાર્ડે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. આ સદી સાથે તેણે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે વિશ્વની અન્ય કોઈ કેપ્ટન પહેલા હાંસલ કરી શકી નથી.
લૌરા વોલ્વાર્ડે રચ્યો ઈતિહાસ
ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં ઈનિંગની શરૂઆત કરતી વખતે સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે મેદાનમાં ઉતરતાની સાથે જ ધમાકેદાર બેટિંગ શરૂ કરી. તેણે ઈંગ્લિશ બોલરોને હેરાન કર્યા અને 115 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ તેની 10મી ODI સદી હતી. આ સાથે લૌરા વોલ્વાર્ડ મહિલા વર્લ્ડકપના નોકઆઉટ મેચમાં સદી ફટકારનાર વિશ્વની પ્રથમ કેપ્ટન બની.
વોલ્વાર્ટ વર્લ્ડકપના નોકઆઉટ મેચમાં ઈંગ્લેન્ડ સામે સદી ફટકારનાર બીજી ખેલાડી પણ બની. આ પહેલા ઓસ્ટ્રેલિયાની એલિસા હીલીએ આ સિદ્ધિ મેળવી હતી. તેને ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ઇંગ્લેન્ડની નેટ સિવર બ્રન્ટની બરાબરી પણ કરી હતી. બ્રન્ટે અત્યાર સુધીમાં 10 સદી ફટકારી છે. વોલ્વાર્ટ સાઉથ આફ્રિકાનો સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી છે.
મહિલા વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
15 – મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા)
14 – સ્મૃતિ મંધાના (ભારત)
13 – સુઝી બેટ્સ (ન્યુઝીલેન્ડ)
12 – ટેમી બ્યુમોન્ટ (ઈંગ્લેન્ડ)
10 – નેટ સાયવર-બ્રન્ટ (ઈંગ્લેન્ડ)
10 – લૌરા વોલ્વાર્ડ (સાઉથ આફ્રિકા)*
વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકાની સૌથી મોટી ઈનિંગ
આ મેચમાં લૌરા વોલ્વાર્ડે 169 રનની શાનદાર ઈનિંગ રમી, જેમાં 143 બોલમાં 20 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. આ ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સાઉથ આફ્રિકા માટેનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. આ પહેલા મેરિઝેન કેપે પાકિસ્તાન સામે 102* રન બનાવ્યા હતા, જ્યારે લિન્ડા ઓલિવિયર અને તાઝમિન બ્રિટ્સે 101-101 રન બનાવ્યા હતા. આ વર્લ્ડકપના ઈતિહાસમાં ત્રીજો બેસ્ટ વ્યક્તિગત સ્કોર છે.
વર્લ્ડકપમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર 171 રન છે, જે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે 2017માં ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યો હતો. વોલ્વાર્ડ આ રેકોર્ડ તોડવાથી 3 રન પાછળ રહી ગઈ. વધુમાં તેની ઈનિંગે સાઉથ આફ્રિકાને ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં 7 વિકેટે 319 રન સુધી પહોંચાડવામાં મદદ કરી, જે ટીમનો વનડે વર્લ્ડકપમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે. તેમનો અગાઉનો સૌથી વધુ સ્કોર 312/9 હતો, જે પાકિસ્તાન સામે બનાવવામાં આવ્યો હતો.