ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 30 ઓક્ટોબરે રમાનારી ICC ODI વર્લ્ડકપ 2025 ની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમનો સામનો કરશે. આ મોટી મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે, જેમાં ફોર્મમાં ચાલી રહેલી ઓપનિંગ બેટ્સમેન પ્રતિકા રાવલ બાંગ્લાદેશ સામેની અંતિમ લીગ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થઈ ગઈ છે.


સેમીફાઈનલ પહેલા એક રિપ્લેસમેન્ટ ખેલાડીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં શેફાલી વર્માનો ભારતીય મહિલા વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવામાં આવી છે.

બાંગ્લાદેશ સામેની મેચમાં પ્રતિકાને થઈ પગની ઘૂંટીમાં ઈજા

ભારતીય ટીમે 26 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશ સામે 2025 મહિલા ODI વર્લ્ડકપની છેલ્લી લીગ મેચ રમી હતી, જે વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. બાંગ્લાદેશની ઈનિંગની 21મી ઓવર દરમિયાન જ્યારે શર્મીન અખ્તરે દીપ્તિ શર્માના બોલ પર મિડવિકેટ તરફ શોટ માર્યો, ત્યારે પ્રતિકા રાવલ તેને રોકવા માટે ડાબી બાજુ દોડી ગઈ. પરંતુ તેનો પગ લપસી ગયો, જેના કારણે પગની ઘૂંટી વાંકી ગઈ.

પ્રતિકાને ખૂબ દુખાવો થતો જોવા મળ્યો અને ત્યારબાદ સપોર્ટ સ્ટાફ દ્વારા તેને મેદાનની બહાર લઈ જવામાં આવી. પ્રતિકા પોતાનો પહેલો ODI વર્લ્ડકપ રમી રહી છે, તે બેટ સાથે શાનદાર ફોર્મમાં છે, તેને 7 મેચમાં 308 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 1 અડધી સદીનો ફટકારી છે.

શેફાલી વર્મા પાસે પોતાને સાબિત કરવાની મોટી તક

જ્યારે 2025ના ODI વર્લ્ડકપ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે શેફાલી વર્માને ન તો મુખ્ય ટીમમાં સ્થાન મળ્યું હતું કે ન તો રિઝર્વ ખેલાડીઓમાં. હવે પ્રતિકા રાવલના સ્થાને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે સામેલ કરાયેલી શેફાલી પાસે ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચમાં પોતાને સાબિત કરવાની મોટી તક હશે.

શેફાલીએ તેની છેલ્લી ODI મેચ ઓક્ટોબર 2024માં રમી હતી. જો આપણે શેફાલીની ODI કરિયર પર નજર કરીએ તો તેને અત્યાર સુધીમાં 29 મેચ રમી છે અને 23ની એવરેજથી 644 રન બનાવ્યા છે, જેમાં તેના બેટમાંથી ચાર અડધી સદી જોવા મળી છે.

  • Follow us on: