ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં 9 વિકેટથી શાનદાર જીત મેળવી. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા 236 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
જેના જવાબમાં ભારતીય ટીમે માત્ર 38.3 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરીને મેચ જીતી લીધી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયન બોલરોને હેરાન કર્યા. રોહિતે 121 રનની શાનદાર સદી ફટકારી, જ્યારે કોહલીએ 74 રનની શાનદાર ઈનિંગ રમી. આ પહેલા હર્ષિત રાણાએ બોલથી ધૂમ મચાવી અને કુલ 4 વિકેટ લીધી.
રોહિત અને કોહલીએ મચાવી ધૂમ
237 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત કેપ્ટન શુભમન ગિલ અને રોહિત શર્માએ મજબૂત રીતે કરી. તેને 69 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી. શુભમન ગિલ 26 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો, પરંતુ ત્યારબાદ ટીમ ઈન્ડિયા વિકેટ વિના રહી. ત્રીજા નંબર પર બેટિંગ કરતા વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે મળીને ટીમને જીત તરફ દોરી ગઈ.
રોહિત અને કોહલીની જોડીએ ઓસ્ટ્રેલિયન બોલરોને આડે હાથ લીધા અને તેમને વિકેટ માટે રાહ જોવડાવી. હિટમેનએ જોરદાર બેટિંગ કરી અને પોતાના કરિયરની 33મી સદી ફટકારી. રોહિતે 125 બોલમાં 121 રનની ઈનિંગ રમી, જેમાં તેને 13 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. વિરાટ કોહલીએ 81 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 74 રનની શાનદાર ઈનિંગ રમી. રોહિત અને કોહલીએ 168 રનની અણનમ પાર્ટનરશીપ કરી, જેના કારણે ભારતે માત્ર 38.3 ઓવરમાં 1 વિકેટે 237 રન બનાવીને મેચ જીતી લીધી.
હર્ષિત રાણાએ લીધી 4 વિકેટ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી હતી. ઓસ્ટ્રેલિયાએ 61 રનના સ્કોર પર ટ્રેવિસ હેડની ગુમાવી દીધો હતો, પરંતુ ત્યારબાદ નિયમિત અંતરાલે વિકેટો પડી ગઈ હતી અને ટીમ 236 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી રેનશોએ સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. કેપ્ટન મિચેલ માર્શે 41 રન બનાવ્યા હતા, જ્યારે મેથ્યુ શોર્ટે 30 રન બનાવ્યા હતા.
આ દરમિયાન ભારત તરફથી ઝડપી બોલર હર્ષિત રાણાએ શાનદાર બોલિંગ કરી અને કાંગારૂ બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા. હર્ષિતે 8.4 ઓવરમાં 39 રન આપીને 4 વિકેટ લીધી. તેને એલેક્સ કેરી, કૂપર કોનોલી, મિચેલ ઓવેન અને જોશ હેઝલવુડની વિકેટ લીધી. વોશિંગ્ટન સુંદરે પણ 2 વિકેટ લીધી, જ્યારે મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી.