ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે ભારતીય ધરતી પર એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી 3 મેચની ODI સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં કિવીઓએ ભારતને 41 રનથી હરાવીને સિરીઝ 2-1થી જીતી લીધી. આ જીત સાથે ન્યુઝીલેન્ડે ઈતિહાસ રચ્યો. ન્યુઝીલેન્ડની ટીમે ભારતમાં તેની પ્રથમ ODI સિરીઝ જીતી.

માઈકલ બ્રેસવેલની કેપ્ટનશીપ હેઠળની ન્યુઝીલેન્ડની ટીમે તેના ઘણા અનુભવી ખેલાડીઓની ગેરહાજરી છતાં આ સફળતા મેળવી હતી. કેન વિલિયમસન, મેટ હેનરી અને મિચેલ સેન્ટનર જેવા સિનિયર ખેલાડીઓ વિના રમતા કિવીઓએ દબાણ હેઠળ શાનદાર પ્રદર્શન કર્યું, જેના કારણે ભારતીય ટીમને ઘરઆંગણે સિરીઝ ગુમાવવાની ફરજ પડી. આ મેચમાં ટાર્ગેટનો પીછો કરતા વિરાટ કોહલીએ સદી ફટકારી, પરંતુ તેની સદી ટીમ ઈન્ડિયા માટે વિજય સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ.

શુભમન ગિલે કોહલીની પ્રશંસા કરી

ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે પહેલી ODI સિરીઝ ગુમાવ્યા બાદ કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે "પહેલી મેચ પછી સિરીઝ 1-1થી બરાબર રહી હતી અને અમે જે રીતે રમ્યા તેનાથી અમે નિરાશ થયા હતા. કેટલાક ક્ષેત્રો છે જેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાની, વિચારવાની અને સુધારવાની જરૂર છે. વિરાટ જે રીતે બેટિંગ કરે છે તે હંમેશા પ્લસ પોઈન્ટ છે."

શુભમન ગિલે કહી આ વાત

હર્ષિત રાણાની પ્રશંસા કરતા શુભમન ગિલે કહ્યું કે "આ સિરીઝમાં હર્ષિત રાણાએ જે રીતે બેટિંગ કરી તે પ્રશંસનીય છે. 8મા નંબરે બેટિંગ કરવી સરળ નથી. તેને પોતાની જવાબદારી સારી રીતે નિભાવી. આ સિરીઝમાં ઝડપી બોલરોએ જે રીતે બોલિંગ કરી તે પણ સારી હતી. વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને અમે નીતિશને તકો આપવા માગીએ છીએ. અમે તેને ઘણી ઓવરો આપવા માગીએ છીએ અને જોઈએ છીએ કે કયા કોમ્બિનેશન અમારા માટે કામ કરે છે."

3 દિવસ પછી શરૂ થશે T20I સિરીઝ

ODI સિરીઝ પછી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20I સિરીઝ રમાશે, જે 21 જાન્યુઆરીથી નાગપુરમાં શરૂ થશે. સિરીઝની અંતિમ મેચ 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે. આ પછી ભારતીય ટીમ 7 ફેબ્રુઆરીથી શરૂ થતા T20 વર્લ્ડકપ 2026 માં ભાગ લેશે.

આ પણ વાંચો: IND Vs NZ: ઈન્દોરમાં પણ ભારતીય ટીમે પોતાની જુની ભૂલનું કર્યું ભૂલનું પુનરાવર્તન, બોલરોનું ખરાબ પ્રદર્શન