યુવા ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે સાઉથ આફ્રિકા A સામેની બીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં સતત 2 સદી ફટકારીને ધૂમ મચાવી છે. ધ્રુવ જુરેલે ભારત A માટે પહેલી ઈનિંગમાં અણનમ 137 રન બનાવ્યા અને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી.
બીજી ઈનિંગમાં પણ તેને શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી, ફરી એકવાર ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. સતત 2 સદી ફટકારીને ધ્રુવ જુરેલે સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાં રમવાનો પોતાની દાવો વધુ મજબૂત બનાવ્યો છે.
ધ્રુવ જુરેલે સતત બીજી સદી ફટકારી
ધ્રુવ જુરેલે ફરી એકવાર પોતાની શાનદાર બેટિંગ બતાવી, સાઉથ આફ્રિકા A સામેની બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી ફટકારી. મુશ્કેલ સમયમાં 7 નંબર પર બેટિંગ કરવા આવતા, ધ્રુવ જુરેલે પોતાની સદી સાથે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. તેને અને હર્ષ દુબેએ છઠ્ઠી વિકેટ માટે 250 બોલમાં 184 રનની શાનદાર પાર્ટનરશીપ કરી.
હર્ષ 116 બોલમાં 84 રન બનાવ્યા બાદ આઉટ થયો, જેમાં 1 છગ્ગો અને 12 ચોગ્ગો ફટકાર્યો છે. પરંતુ ધ્રુવે બીજા છેડે 159 બોલમાં 13 ચોગ્ગા ફટકારીને સદી ફટકારી. આ સમાચાર લખાયા છે ત્યાં સુધી ભારતે બીજી ઈનિંગમાં 6 વિકેટે 350 રન બનાવ્યા છે, જેનાથી સાઉથ આફ્રિકા પર 384 રનની લીડ મળી છે.
રિષભ પંતે ફટકારી અડધી સદી
ધ્રુવ જુરેલની સદીની મદદથી ભારતે પોતાનો બીજી ઈનિંગ 7 વિકેટે 382 રન પર ડિકલેર કર્યો, જેનાથી સાઉથ આફ્રિકાને 417 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો. જુરેલ સિવાય કેપ્ટન રિષભ પંતે પણ બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી. તે ત્રીજા દિવસે રિટાયર્ડ હર્ટ થયો હતો, પરંતુ થોડા સમય પછી બેટિંગમાં પરત ફર્યો અને 48 બોલમાં છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂર્ણ કરી. રિષભ પંતે બીજી ઈનિંગમાં 65 રન બનાવ્યા, જેમાં 54 બોલમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા. કેએલ રાહુલે 27, સાઈ સુદર્શને 23 અને દેવદત્ત પડિકલે 24 રન બનાવ્યા.
ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા ભારતે પહેલી ઈનિંગમાં 255 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ પહેલી ઈનિંગમાં 221 રન બનાવીને ભારતને 34 રનની લીડ આપી હતી.