શ્રીલંકા વહીવટીતંત્ર 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 વર્લ્ડકપ 2026 મેચ માટે તૈયારી કરી રહ્યું છે. ટાપુ રાષ્ટ્રના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું છે કે શ્રીલંકા આ ગ્લોબલ ટુર્નામેન્ટમાં ટીમોની સુરક્ષા માટે સશસ્ત્ર એકમો તૈનાત કરશે. આ વધેલી સુરક્ષા વ્યવસ્થાનો એક ભાગ છે, જે ખાસ કરીને ભારત-પાક મેચો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
શ્રીલંકા ભારત સાથે કરી રહ્યું છે T20 વર્લ્ડકપનું આયોજન
શ્રીલંકા ભારત સાથે T20 વર્લ્ડકપનું સહ-યજમાની કરી રહ્યું છે, જેની બધી મેચ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન રમાશે. ભારત અને પાકિસ્તાન ઓછામાં ઓછી 1 વખત એકબીજા સામે રમશે, 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ગ્રુપ A મેચમાં બંને જોવા મળશે.
ઈન્ડિયા-પાક મેચ પર ખાસ ધ્યાન
શ્રીલંકાના રમતગમત મંત્રી સુનીલ કુમારા ગામગેએ બુધવારે મોડી રાત્રે મીડિયાને જણાવ્યું હતું કે શ્રીલંકાએ ટુર્નામેન્ટને યોગ્ય રીતે ચલાવવાને "સૌથી વધુ પ્રાથમિકતા" આપી છે અને "ભારત-પાકિસ્તાન મેચો પર ખાસ ધ્યાન આપી રહ્યું છે." પોલીસ અને સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે મુલાકાતી રાષ્ટ્રના વડાઓની સુરક્ષા માટે તૈનાત કરાયેલા કમાન્ડો યુનિટ્સને તમામ ભાગ લેતી ટીમોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે.
આર્મર્ડ ગાર્ડ તૈનાત કરવામાં આવશે
એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "તેઓ એરપોર્ટ છોડે તે ક્ષણથી લઈને તેઓ તેમના વિમાનમાં પાછા ફરે ત્યાં સુધી તેમને આર્મર્ડ ગાર્ડ દ્વારા સુરક્ષિત રાખવામાં આવશે." રાજકીય દુશ્મનાવટને કારણે પાકિસ્તાને ભારતમાં તેની મેચ રમવાની ના પાડી હતી, ત્યારબાદ ICCએ તેની મેચો શ્રીલંકાના તટસ્થ સ્થળે ખસેડી હતી.
સ્કોટલેન્ડે બાંગ્લાદેશનું સ્થાન લીધું
સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશે પણ તેની મેચો ભારતની બહાર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ICC એ આ વિનંતીને નકારી કાઢી હતી. ગુસ્સામાં બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી ખસી ગયું, અને તેની જગ્યાએ સ્કોટલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો.
રાજકીય તણાવમાં શ્રીલંકાનું વલણ
ક્રિકેટ સચિવ બંદુલા દિસાનાયકે જણાવ્યું હતું કે કોલંબો પ્રાદેશિક વિવાદોમાં સામેલ થવાનું ટાળવા માગે છે. તેમને કહ્યું કે "ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના આ વિવાદોમાં અમે તટસ્થ છીએ, તેઓ બધા મૈત્રીપૂર્ણ દેશો છે." પરંતુ તેમને એમ પણ કહ્યું કે જો શ્રીલંકા પૂછવામાં આવે તો તે આમાંથી કોઈપણ દેશ માટે ભવિષ્યની ટુર્નામેન્ટનું આયોજન કરવા તૈયાર રહેશે.
શ્રીલંકાના સ્ટેડિયમમાં થયો છે સુધારો
શ્રીલંકાએ T20 વર્લ્ડકપનો ઉપયોગ તેના ઈન્ટરનેશનલ સ્થળોને અપગ્રેડ કરવાની તક તરીકે પણ કર્યો છે. ગ્લોબલ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવાના પ્રયાસરૂપે દેશે કોલંબોના 2 સ્ટેડિયમમાંથી એક, સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબમાં નવી ફ્લડલાઈટ્સ સ્થાપિત કરી છે.
આ પણ વાંચો: Team India સામેની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત, જાણો ક્યારે રમાશે પહેલી મેચ?